રાજકોટમાં આજી નદીના કાંઠે ગેરકાયદેસર દબાણો તોડવામાં આવશે

રાજકોટ: શહેરમાં ગેરકાયદેસર દબાણ તોડવા માટે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજી નદીના કાંઠે બાંધેલા લગભગ 383 જેટલા ગેયકાયદે બાંધકામનું ડિમોલિશન કરવાનો RMCએ નિર્ણય કર્યો છે. કેટલાક વિસ્તારમાં બાંધકામ વધી જવાથી દર વર્ષે અમુક વિસ્તારમાં પુર જેવી પરિસ્થિતી ઊભી થાય છે. જેથી RMCએ આ નિર્ણય કર્યો છે.

સૂત્રોની માહિતી પ્રમાણે રાજકોટ શહેરના બાપુનગર સ્મશાન વિસ્તાર, જંગલેશ્વર, એકતા કોલોની અને શાળા નંબર 70ની આસપાસ ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે. તેના કારણે દર વર્ષે આજી નદીના પુરમાં આ વિસ્તાર ડૂબી જાય છે અને હજારો લોકોનું સ્થળાંતર કરાવવાની નોબત આવે છે. ત્યારે આ મામલે રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાએ નિવેદન આપતા કહ્યું કે આજી નદી કાંઠે વર્ષોથી દબાણો થયા છે તે દૂર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આજી રિવરફ્રન્ટનું કામ પણ શરૂ કરવાનું હોવાના કારણે દબાણો દૂર કરવામાં આવશે. દર વર્ષે નદીકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવતી હોય છે. હાલમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવા લોકોને નોટિસો ફટકારવામાં આવી છે. ત્યારે ડીમોલિશનમાં જે લોકોના મકાન કપાતમાં જાય છે, તેની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પણ હાલમાં વિચારણા ચાલી રહી છે. ત્યારે બીજી તરફ ગેરકાયદેસર આખો વિસ્તાર ઉભો થઈ ગયો તો અધિકારીઓને કેમ જાણ ન થઈ તે અંગે ખુલાસો માગવામાં આવ્યો છે.