અમદાવાદ: દેશમાં સ્ત્રી પ્રજનન આરોગ્યસેવામાં નવી સીમાઓ ખોલતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (આઇકેડીઆરસી)એ શનિવારે એબ્સ્યુલુટ યુટ્રીન ફેક્ટર ઇનફર્ટિલિટી (AUFI) સ્થિતિની સારવાર માટે ગર્ભાશય પ્રત્યારોપણ પ્રક્રિયાની જાહેરાત કરી. આ જાહેરાત સાથે, આઇકેડીઆરસીભારતની પ્રથમ જાહેર ક્ષેત્રની આરોગ્યસંભાળ સુવિધા બની છે, જે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ ઓફર કરે છે, જે AUFIને કારણે ગર્ભધારણ કરવામાં અસમર્થ સેંકડો મહિલાઓ માટે આશાનું કિરણ બની રહેશે.
આઇકેડીઆરસી-આઇટીએસના ડિરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યું, “આઇકેડીઆરસી (કિડનીહોસ્પિટલ) ખાતે ગર્ભાશય પ્રત્યારોપણ એ AUFI સ્થિતિ ધરાવતી સ્ત્રીઓ માટે એક વરદાનરૂપે આવ્યું છે જેમને સામાજિક અને વ્યવહારિક પ્રસંગોમાં સગાસંબંધી દ્વારા કરવામાં આવતી સતત પૃચ્છાથી અત્યંત ત્રાસદાયક અનુભવમાંથી પસાર થવું પડે છે અને સાથેસાથે બાળક પેદા ન કરવા માટે ભાવનાત્મક તણાવની પીડા સહેવી પડે છે.”
ડૉ. મિશ્રાના જણાવ્યાનુસાર, સંસ્થા શરૂઆતમાં ફક્ત જીવંત સંબંધિત ટ્રાન્સપ્લાન્ટને પ્રોત્સાહિત કરશે, જેમાં AUFI સ્થિતિ ધરાવતી સ્ત્રીના નિકટના સંબંધીઓ તેમની પોતાની મરજીથી ભાગ લઈ શકશે. ગર્ભાશયના દાતાઓ, આદર્શ રીતે, તંદુરસ્ત ગર્ભાશય સાથે 30-60 વર્ષની વયજૂથના હોવા જોઈએ.
“અમે જીવંત સંબંધિત પ્રત્યારોપણના પરિણામો પર આધાર રાખીને નજીકના ભવિષ્યમાં કેડેવર ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ શરૂ કરવાની યોજના પણ બનાવી છે.” તેમ ઉમેરો કરતા ડૉ. મિશ્રાએ વધુમાં જણાવ્યું કે સંસ્થાએ વિવિધ જૂથો માટે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ ન્યૂનતમ અથવા વિના મૂલ્યે ગર્ભાશય પ્રત્યારોપણ પહેલાં અને પછીની સંભાળ પ્રદાન કરવાની વ્યવસ્થા પણ કરી છે.
સ્ટેટ ઓથોરાઇઝેશન કમિટી કે જે રાજ્યમાં અંગ પ્રત્યારોપણનું નિયમન કરતી સર્વોચ્ચ સંસ્થા છે, તેણે આ મહિનાની શરૂઆતમાં આઇકેડીઆરસીને માનવ અંગના પ્રત્યારોપણ અધિનિયમ, 1994ની જોગવાઈઓ અનુસાર ગર્ભાશય પ્રત્યારોપણ કેન્દ્ર શરૂ કરવાની મંજૂરી આપી હતી.
અન્ય કોઈપણ અંગ પ્રત્યારોપણની જેમ જસ્ટેટ ઓર્ગન એન્ડ ટીશ્યુ ટ્રાન્સપ્લાન્ટેશન ઓર્ગેનાઈઝેશન (SOTTO) ગર્ભાશય પ્રત્યારોપણ માટે કોમ્પ્યુટર નિયંત્રિત કેન્દ્રીયકૃત પ્રણાલીના માધ્યમથી નોંધણી વિનંતીઓ પરની પ્રક્રિયા કરશે.
એક અંદાજ મુજબ ભારતની લગભગ 15 ટકા સ્ત્રી વસ્તીમાં વંધ્યત્વ સંબંધિત સમસ્યાઓ છે અને 10000 માંથી 1 સ્ત્રીમાં ગર્ભાશય નથી. AUFI સ્થિતિ એ વંધ્યત્વનો સંદર્ભ આપે છે, જે સંપૂર્ણપણે ગર્ભાશયની ગેરહાજરી (જન્મજાત અથવા સર્જિકલ) અથવા અસામાન્યતા (એનાટોમિક અથવા ફંક્શનલ) માટે જવાબદાર છે, જે ગર્ભ આરોપણ અથવા ગર્ભાવસ્થાના સમયગાળાને પૂર્ણ થવાથી અટકાવે છે.