લોકસભા ચૂંટણી 2024ને લઈ રાજ્યમાં ધમધમાટ ચાલી રહ્યો છે. ત્યારે તમામ પક્ષોના ઉમેદવારો પ્રચાર-પ્રસાર શરૂ કરી ચૂક્યા છે. ત્યારે ભાજપના કેન્દ્રીય નેતા નરેન્દ્ર મોદી અને અમિતા શાહ ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરી રહ્યા છે. તો બીજી બાજુ હવે ગુજરાતમાં ભાજપને હરાવવા કોંગ્રેસ પ્રચંડ પ્રચાર કરવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસે ગુજરાતમાં માટે આગામી 26 એપ્રિલથી 5 મે સુધીનો પ્રચાર પ્રસારનો કાર્યક્મ જાહેર કર્યો છે.
ગુજરાતમાં આગામી 26 એપ્રિલથી કોંગ્રેસનો પ્રચંડ પ્રચાર શરૂ થવાનો છે આગામી દિવસોમાં કોંગ્રેસનાં સંગઠન પ્રભારી અને વરિષ્ઠ રાજ્યસભા સભ્ય મુકુલ વાસનીક બે દિવસ ગુજરાત મુલાકાતે આવશે. બે દિવસીય પ્રવાસમાં અનેક બેઠકો અને જન સભાને મુકુલ વાસનીક સંબોધન કરશે. તારીખ 27 એપ્રિલના રોજ કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી અને નેતા પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુર ખાતે જાહેરસભાને સંબોધન કરશે. જેને લઈને ધરમપુરમાં જોરશોરથી તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. જે બાદ તારીખ 28 એપ્રિલના રોજ કોંગ્રેસના પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંઘવી અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશે. તારીખ 29 એપ્રિલના રોજ કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પાટણ ખાતે આવશે. પાટણમાં તેઓ જંગી જનમેદીને સંબોધન કરશે.
આ ઉપરાંત કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ અલકા લાંબા, વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ, અશોક ગહેલોત અને તેલંગાણાનાં યુવા મુખ્યમંત્રી રેવંતા રેડીની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. કોંગ્રેસનાં મીડિયા ડિપાર્ટમેન્ટનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પવન ખેરા, રાષ્ટ્રીય પ્રવકતા સુપ્રીયા શ્રીનેટ સહિતના પ્રવક્તાઓ જનસભાને સંબોધન કરશે.
‘યુવા ન્યાય’ની વાત રજૂ કરવા કોંગ્રેસ પક્ષનાં યુવા નેતા કનૈયાકુમાર, ઇમરાન પ્રતાપગઢી,યુથ કોંગસનાં રાષ્ટ્રીય પ્રમુખ બી વી શ્રીનિવાસ ગુજરાતમાં પ્રેસ અને જાહેરસભા કરે તેવુ કોંગ્રેસનું આયોજન સાથે રાષ્ટ્રીય નેતૃત્વને આમંત્રણ પાઠવ્યું છે.