ગુજરાતમાં લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. એ પણ જાણી લો કે આ વખતે કુલ 433 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા, જેમાંથી ચકાસણી પછી 328 ફોર્મને માન્ય રાખવામાં આવ્યા. માન્ય રખાયેલા આ ફોર્મમાંથી 62 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હોવાથી હવે 25 બેઠકો પર 266 ઉમેદવારો ચૂંટણી મેદાને જંગ લડશે. ઉલ્લેખનીય છે કે સુરતની બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે.
આ બેઠક પર માત્ર ત્રણ ઉમેદવાર
અમદાવાદ પૂર્વ બેઠક પરથી આ ચૂંટણીમાં સૌથી વધુ 18 ઉમેદવારો વચ્ચે જંગ થશે. જ્યારે બારડોલી લોકસભામાં સૌથી ઓછા 3 ઉમેદવારો ચૂંટણી લડશે. જેમાં ભાજપમાંથી પ્રભુભાઈ વસાવા કોંગ્રેસમાંથી સિદ્ધાર્થ ચૌધરી અને બહુજન સમાજ પાર્ટીમાંથી મહિલા ઉમેદવાર રેખાબહેન ચૌધરી વચ્ચે ચૂંટણી જંગ જામશે.
પેટા ચૂંટણીમાં પણ બે જ ઉમેદવાર
નોંધીય છે કે સુરત બેઠકના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે. વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરીએ તો 24 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે. જેમાં સૌથી વધુ વિજાપુર વિધાનસભા બેઠક પર 8 ઉમેદવારો અને વાઘોડિયા બેઠક પર 2 ઉમેદવારો વચ્ચે ચૂંટણી થશે.
કઈ બેઠક પર કેટલા ઉમેદવાર
વિગતે જોઈએ તો બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં 12 ઉમેદવારો મેદાને છે. જ્યારે અમરેલીમાં 8 ઉમેદવારો પૈકી 4 રાજકીય પક્ષના અને 4 અપક્ષ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. એવી જ રીતે પંચમહાલમાં પણ 8 ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતર્યા છે. જેમાં 4 અપક્ષ ઉમેદવારો છે. જો કે અહીં ભાજપના રાજપાલસિંહ જાદવ અને કોંગ્રેસના ગુલાબસિંહ ચૌહાણ વચ્ચે ચૂંટણી જંગ જોવા મળશે. નવસારીમાં 26 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જેમાંથી 7 ફોર્મ રદ થયા જયારે 5 ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી માટે હવે 8 રાજકીય પક્ષના અને 6 અપક્ષના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થશે. વડોદરામાં પણ કોંગ્રેસ ભાજપ વચ્ચે સીધો જંગ થશે. આ બેઠક પર 14 ઉમેદવારો મેદાને ઉતર્યા છે. જ્યારે ગાંધીનગરમાં 14 ઉમેદવારો ચૂંટણી લડશે. સાબરકાંઠા બેઠક પર 14 અને આણાંદ બેઠક પર 7 ઉમેદવારો વચ્ચે ચૂટણી જંગ થશે.
અપક્ષ ઉમેદવારોનું ચૂંટણી ગણિત
છેલ્લી દસ લોકસભા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની વાત કરીએ તો 1998માં સૌથી ઓછા 30 અને 1991માં સૌથી વધારે 258 અપક્ષ ઉમેદવારો હતા. ગુજરાતમાં 1962થી 2019 સુધીમાં કુલ 1925 અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જે પૈકી મોટાભાગના ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ પણ ગુમાવી પડી છે.
ભાજપ-કોંગ્રેસ-આપ ઉમેદવાર
બેઠક | ભાજપ | કોંગ્રેસ-આપ |
ગાંધીનગર | અમિત શાહ | સોનલ પટેલ |
કચ્છ | વિનોદ ચાવડા | નિતેશ લાલણ |
બનાસકાંઠા | રેખા ચૌધરી | ગેનીબેન ઠાકોર |
પાટણ | ભરતસિંહજી ડાભી | ચંદનજી ઠાકોર |
અમદાવાદ પશ્વિમ | દિનેશ મકવાણા | ભરત મકવાણા |
રાજકોટ | પરશોત્તમ રૂપાલા | પરેશ ધાનાણી |
પોરબંદર | મનસુખ માંડવિયા | લલિત વસોયા |
જામનગર | પૂનમ માડવ | જે.પી.મારવિયા |
આણંદ | મિતેશ પટેલ | અમિત ચાવડા |
ખેડા | દેવુસિંહ ચૌહાણ | કાળુસિંહ ડાભી |
પંચમહાલ | રાજપાલસિંહ જાદવ | ગુલાબસિંહ ચોહાણ |
દાહોદ | જસવંતસિંહ ભાભોર | પ્રભાબહેન તાવડિયા |
બારડોલી | પ્રભુભાઈ વસાવા | સિદ્રાર્થ ચૌધરી |
નવસારી | સી.આર.પાટીલ | નૈષદ દેસાઈ |
સાબરકાંઠા | શોભના બારૈયા | તુષાર ચૌધરી |
અમદાવાદ પૂર્વ | હસમુખભાઈ પટેલ | હિંમતસિંહ પટેલ |
ભાવનગર | નિમુબેન બાંભણિયા | ઉમેશ મકવાણા (AAP) |
વડોદરા | હેમાંગ જોશી | જયપાલસિંહ પઢિયાર |
છોટા ઉદેપુર | જશુભાઈ રાઠવા | સુખરામ રાઠવા |
વલસાડ | ધવલ પટેલ | અમંત પટેલ |
જૂનાગઢ | રાજેશ ચુજાસમા | હિરાભાઈ જોટવા |
સુરેન્દ્રનગર | ચંદુભાઈ શિહોરા | ઋત્વિક મકવાણા |
મહેસાણા | હરિભાઈ પટેલ | રામજી ઠાકોર |
અમરેલી | ભરત સુતરિયા | જેનીબહેન ઠુંમ્મર |
ભરૂચ | મનસુખ વસાવા | ચૈતર વસાવા (AAP) |