અમદાવાદ: ગુજરાત આખામાં નવરાત્રિની ધૂમ ચાલી રહી છે. અમદાવાદ શહેરમાં પણ વિવિધ વિસ્તારોમાં પાર્ટી પ્લોટનો રંગ જામ્યો છે. ગરબાના સમય દરમિયાન શહેરમાં લાંબો ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતી હોય છે. જોકે, ખેલૈયાઓની આ સમસ્યાને દૂર કરવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે મોટો નિર્ણય લીધો છે. જેમાં નવરાત્રિ સુધી રાત્રે 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી ભારે વાહનોન શહેરમાં પ્રવેશ મળી શકશે નહીં. અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી આ વિશે જાહેરાત કરી છે.
નવરાત્રિના પાંચ નોરતા પૂરા થઈ ચુક્યા છે. જોકે, આ દરમિયાન શહેરીજનોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેમજ પોલીસની પણ કડક વ્યવસ્થા છતાં જોઈએ તેવો પ્રતિસાદ ન મળતાં ટ્રાફિક પોલીસ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિવસ-રાત ધમધમતા એસજી હાઇવે પર પણ જાહેરનામાં મુજબ રાતના 8 વાગ્યાથી 2 વાગ્યા સુધી ભારેથી અતિભારે વાહનોને પ્રવેશ મળી શકશે નહીં. ઉલ્લેખનીય છ કે, 33 પેસેન્જરથી ઓછી કેપેસિટી ધરાવતા વાહનો જ શહેરમાં અવરજવર કરી શકશે. પરંતુ ભારે વાહન જેવા કે ટ્રેક્ટર, ટોલી અને 33થી વધુ કેપેસિટી ધરાવતા પેસેન્જર વાહનો પર નવરાત્રિ દરમિયાન પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. અગાઉ રાત્રિના 10 વાગ્યા બાદ ભારે વાહનોને એન્ટ્રી આપવામાં આવતી હતી. જેમાં ફેરફાર કરીને આ નિર્ણય લેવાયો છે. જે વાહનચાલક કે માલિકો નિયમનો ભંગ કરશે તેમની સામે પોલીસ ગુનો નોંધી વાહન જમા લઇને વધુ કાર્યવાહી કરશે.