અમદાવાદઃ રાજ્યમાં અમદાવાદ સહિત ઉત્તર-મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છે. રાજ્યમાં મોડી રાતથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોઇ રહેલા અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે. શહેરના બોપલ, SG હાઇવે, થલતેજ, જુહાપુરા, સરખેજ, પાલડી, ગોતા, વેજલપુર, ઈસનપુર, મણિનગર, વટવા, શેલા, ઘુમા, બોડકદેવ, સિંધુભવન, પ્રહલાદ નગર, જોધપુર, વાસણા, બાપુનગર, નરોડા અને શાહીબાગ સહિતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. શહેરમાં ઠેકઠેકાણે વરસાદી પાણી ભરાયાં છે, જેને કારણે અનેક વિસ્તારોમા ટ્રાફિક જેમનાં દ્રશ્યો સર્જાયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નડિયાદમાં પાંચ ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે લુણાવાડામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારેની આગાહી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારેની આગાહી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણમાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે. રાજ્યની ઉપર બે સિસ્ટમ સક્રિય છે. રાજ્યમાં સીઝનનો સરેરાશ કુલ 20 ટકા વરસાદ વરસ્યો છે. પ્રાંતિજમાં પણ ત્રણથી વધુ વરસાદ વરસ્યો છે.
અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ અને છોટા ઉદેપુર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરત, નર્મદા, તાપી, નવસારી, ડાંગ, વલસાડી સહિતના જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.