રાજ્યમાં બોરસદમાં આભ ફાટ્યું: ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો.  હવામાન વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આણંદના બોરસદમાં આભ ફાટ્યું હતું. બોરસદમાં 11 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે આઠ ઇંચ વરસાદ સુરતના પલસાણા તાલુકામાં પડ્યો હતો. બનાસકાંઠાના ડીસામાં પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો, જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ડીસામાં ભાર વરસાદને પગલે 50થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી તેમ જ દુકાનોમાં પાંથી છ ફૂટ સુધી પાણી ભરાયાં હતાં, જેથી દુકાનદારોની મુશ્કેલીઓમાં વધારો થયો હતો.

બોરસદમાં ભારે વરસાદને કારણે જળબંબોળની સ્થિતિ સર્જાઈ છે. જેથી NDRFની ટીમ બોલાવવામાં આવી છે. બોરસદ શહેરનું તળાવ ઓવરફ્લો થયું હતું. તળાવ ઓવરફ્લો થતાં અનેક મકાનો પાણીમાં ગરકાવ થયાં છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા 300થી વધારે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 11 જેટલા પશુનું મોત થયાં હોવાની પ્રાથમિક માહિતી મળી છે.રાજ્યના 14 તાલુકામાં ચાર ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં 71 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. 39 તાલુકામાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હજુ એવા બે તાલુકા છે જ્યાં વરસાદ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સીઝનનો કુલ 12 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત, અને મધ્ય ગુજરાતમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ વરસે એવી સંભાવના છે.