અમદાવાદઃ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાતાં હવામાન વિભાગે રાજ્યમાં વધુ પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. વિભાગે જોકે ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને આ આગામી બે દિવસ દરમિયાન બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે મોટા ભાગના જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વિભાગે ત્રણ દિવસ માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. રાજ્યમાં આજે કચ્છ, દ્વારકા, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ સામાન્ય વરસાદ વરસવાની શક્યતા છે. એ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં પણ વરસાદ વરસે એવી શક્યતા છે. બીજી બાજુ ભાવનગર અને બોટાદમાં પણ સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. અમદાવાદમાં ક્યાંક-ક્યાંક ભારે વરસાદ પડવાની શક્યતા છે. જોકે ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટશે.
રાજ્યમાં છેલ્લાં ૨૦ વર્ષમાં ઓગસ્ટમાં ૬૦.૮૪ ઇંચ વરસાદ વરસ્યો છે, જે એક રેકોર્ડ છે. ખાસ કરીને જુલાઈ-ઓગસ્ટમાં સુરતના તમામ તાલુકાઓમાં રેકોર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લામાં અત્યાર સુધીમાં 61 ઈંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. 2019-2020માં 58 ઈંચની આસપાસ વરસાદ વરસ્યો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 41 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ અમીરગઢમાં 20 મિમી, દાહોદમાં 16 મિમી, ધરમપુરમાં 14 મિમી, કપરાડામાં 13 મિમી, દિયોદરમાં 13 મિમી વરસાદ, વઘઈમાં 11 મિમી, લાખણીમાં 11 મિમી, ડાંગમાં 9 મિમી, ચીખલીમાં આઠ મિમી, ખેરગામમાં આઠ મિમી અને માળિયામાં આઠ મિમી વરસાદ વરસ્યો છે.