ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે માવઠાની આગાહી

ગુજરાતમાં હાલ આકરી ગરમીનો માહોલ છે, પરંતુ ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા 3થી 6 મે, 2025 દરમિયાન પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે, રાજ્યના 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે, જેમાં કંડલા એરપોર્ટે સૌથી વધુ 45.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

હવામાન વિભાગ દ્વારા ભર ઉનાળે માવઠાની આગાહી વ્યક્ત કરી છે. જાણકારી પ્રમાણે 3 મેના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, અને છોટા ઉદેપુરમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત 4 મેના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, અને છોટા ઉદેપુરમાં માવઠાની આગાહી છે. 5 મેના કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અને દીવમાં વરસાદની શક્યતા છે. 6 મેના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અને દીવમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાયું છે. જેમાં કંડલા એરપોર્ટમાં 45.4 ડિગ્રી, રાજકોટમાં 44.5 ડિગ્રી, અમરેલીમાં 43.8 ડિગ્રી, અમદાવાદમાં 43.5 ડિગ્રી, ડિસામાં 43.5 ડિગ્રી, ગાંધીનગરમાં 43.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી, ભુજમાં 42.4 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 42.1 ડિગ્રી, વડોદરામાં 41.6 ડિગ્રી, કેશોદમાં 40.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન વિભાગે ખેડૂતોને લણાયેલા પાકને વરસાદ અને પવનથી બચાવવા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની સલાહ આપી છે. વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ અને વંટોળની શક્યતા હોવાથી, પાકની સુરક્ષા માટે કાળજી રાખવી જરૂરી છે. ગુજરાતમાં આગામી દિવસોમાં ગરમીની સાથે માવઠાની શક્યતા હવામાન વિભાગ દ્વારા જાહેર કરાઈ છે. આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક હોઈ શકે છે, પરંતુ લણાયેલા પાકને નુકસાન ન થાય તે માટે સાવચેતી રાખવી જરૂરી છે. રાજ્યના નાગરિકોને પણ ગાજવીજ અને વંટોળથી સાવધ રહેવા અપીલ કરવામાં આવે છે.