અમદાવાદઃ રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાના હવામાન વિભાગના વરતારા વચ્ચે રાજ્યમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લીમાંમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત વિભાગે અમદાવાદ, ગાંધીનગર અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે. ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે કલેક્ટરે અધિકારીઓને હેડ ક્વાર્ટર નહીં છોડવાના આદેશ આપ્યા છે.
હવામાન વિભાગે વરસાદના બીજો રાઉન્ડ શનિવારથી શરૂ થવાની આગાહી કરી છે, જેમાં મધ્ય, ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેથી સરકાર દ્વારા રાજ્યમાં NDRFની 13 ટીમ અને SDRFની 21 ટીમ તહેનાત કરવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 184 તાલુકામાં વરસાદ નોંધવામાં આવ્યો છે, જેમાં કપરાડા, માતર, વસો, નડિયાદ, પોશીના, મહેમદાવાદમાં 3થી ચાર ઈંચ સુધી વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો કુલ 20 ઈંચ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં કચ્છમાં 104.09, ઉત્તર ગુજરાતમાં 35.22, મધ્ય ગુજરાતમાં 50.01, સૌરાષ્ટ્રમાં 58.05 અને દક્ષિણ ગુજરાતમા 75.11 ટકા વરસાદ નોંધવામાં આવ્યો છે.
રાજ્યનાં 30 જળાશયોમાં 100 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે, જયારે 43 જળાશયોમાં 70 ટકાથી 100 ટકાની વચ્ચે, 29 જળાશયોમાં 50 ટકાથી 70 ટકાની વચ્ચે, 49 જળાશયોમાં 25 ટકાથી 50 ટકાની વચ્ચે, 55 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે.
રાજ્યના 237 તાલુકામાં પાંચ ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે, જેને પરિણામે રાજ્યમાં હાલ કુલ 55.41 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. રાજ્ચમાં વરસાદને લીધે કુલ 14,642 બસના રૂટમાં જે બંધ કરવામાં આવ્યા હતા એ તમામ રૂટ ફરી વાર શરૂ કરી દેવામાં આવ્યા છે.