અમદાવાદઃ રાજ્યની વિધાનસભા પહેલાં કોંગ્રેસ પાર્ટીને જોરદાર આંચકો લાગ્યો છે. પાર્ટીના યુવા નેતા અને કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસથી નારાજ રહેલા હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં મારી હાલત નવા વરરાજની નસબંધી કરાવી હોય તેવી હતી. આ ઘટનાક્રમથી પાર્ટીના આંતરિત મતભેદો વધુ ઘેરા બન્યા છે.
બુધવારે તેમણે ટ્વિટર પર રાજીનામું મૂકતાં લખ્યું હતું કે આજે મેં હિંમત કરીને કોંગ્રેસ પાર્ટીના પદ અને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. મને વિશ્વાસ છે કે મારા આ નિર્ણયનું સ્વાગત મારા દરેક સાથી અને ગુજરાતની જનતા કરશે. હું માનું છું કે મારા આ પગલા પછી હું ભવિષ્યમાં ગુજરાત માટે સાચે જ સકારાત્મક રીતે કામ કરી શકીશ.
आज मैं हिम्मत करके कांग्रेस पार्टी के पद और पार्टी की प्राथमिक सदस्यता से इस्तीफा देता हूँ। मुझे विश्वास है कि मेरे इस निर्णय का स्वागत मेरा हर साथी और गुजरात की जनता करेगी। मैं मानता हूं कि मेरे इस कदम के बाद मैं भविष्य में गुजरात के लिए सच में सकारात्मक रूप से कार्य कर पाऊँगा। pic.twitter.com/MG32gjrMiY
— Hardik Patel (@HardikPatel_) May 18, 2022
હાર્દિક પટેલે રાજીનામું આપ્યાની થોડી વાર પછી ટ્વિટર પ્રોફાઇલ ફોટો પણ બદલ્યો હતો. પહેલાં તેમણે કોંગ્રેસના ચૂંટણી ચિહન પંજા સાથે નજરે ચઢતા હતા, પણ હવે તેઓ હાથ બાંધેલા નજરે પડે છે.
યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે કહ્યું હતું કે મને PCCની કોઈ પણ બેઠકમાં આમંત્રિત નહોતો કરવામાં આવતો. કોઈ પણ નિર્ણ લેતાં પહેલાં તેઓ મારી સલાહ નહોતા લેતા. તો પછી આ પદનો શો અર્થ?
હાર્દિક પટેલે સોનિયા ગાંધીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે તેમના અનેક પ્રયાસો બાદ પણ કોંગ્રેસ દ્વારા દેશહિત અને સમાજ હિતથી બિલકુલ વિપરીત કાર્ય કરવામાં આવી રહ્યું છે. તેમણે લખ્યું છે કે દેશના યુવા એક સક્ષમ અને મજબૂત નેતૃત્વ ઇચ્છે છે, જ્યારે પાછલાં ત્રણ વર્ષમાં કોંગ્રેસ માત્ર વિરોધની રાજનીતિ પૂરતી મર્યાદિત રહી ગઈ છે. રામ મંદિર, NRC-CAA, કલમ 370 હટાવવા તેમજ GST લાગુ કરવાની બાબતોનો ઉલ્લેખ કરતા હાર્દિકે કહ્યું છે કે દેશ લાંબા સમયથી આ મુદ્દાનું સમાધાન ઇચ્છતો હતો જ્યારે કોંગ્રેસ તેમાં એક બાધા બનવાનું કામ કરતી રહી.