અમદાવાદઃ પાટીદારોના નેતા હાર્દિક પટેલે હાલમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે, જે પછી તેમણે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ નેતાઓનો ઉપયોગ કરીને ફેંકી દે છે. બીજી બાજુ, હાર્દિક પટેલે ભાજપના સૂંડલામોઢ વખાણ કર્યા હતા.
તેમની પ્રશસ્તી પરથી એવું લાગે છે કે તેઓ ભાજપમાં જોડાશે, પણ તેઓ ભાજપમાં જોડાય કે નહીં, એ તેમનો અંગત પ્રશ્ન છે, પણ એ પહેલાં તેમના એક વખતના પાટીદાર આંદોલનના સાથી અને NCPનાં નેતા રેશ્મા પટેલે હાર્દિક પટેલના રાજીનામા વિશે જણાવ્યું હતું કે આ બહુ ઉતાવળિયું પગલું છે, એનું પરિણામ સારું નહીં આવે. તેમણે લખ્યું હતું કે તમે ભાજપનાં દંભી કાર્યના વખાણ કરો છો, પણ આપણે ભાજપનાં ખોટાં કાર્યોને જાહેરમાં ખુલ્લાં પાડ્યાં છે. તેઓ આટલેથી અટક્યા નહોતાં. તેમણે હાર્દિક પટેલને એક ખુલ્લો પત્ર લખ્યો હતો. જે નીચે મુજબ છે.
ભાઈશ્રી હાર્દિક પટેલ,
જયશ્રી રામ સાથે…. હું રેશ્મા પટેલ આંદોલનના સાથી ભાઈ-બહેનના સંબંધ અને પાટીદાર અનામત આંદોલનના સંઘર્ષના સાથી રહેલા છીએ આ કારણથી….મોટી બહેન તરીકે હું તમારા ધ્યાનમાં કેટલાક અમારા ભાજપ સાથેના કડવા અનુભવથી તમને સાવચેત કરવા માગું છું.
તમે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું એ વાતનું દુઃખ ખૂબ જ થયું, પણ વધારે દુઃખ એ છે કે તમે સોનિયા ગાંધીને લખેલા પત્રમાં અને તમારી ભાષામાં ભાજપના દંભી કાર્યનાં ભરપૂર વખાણ કર્યાં છે. હાર્દિકભાઈ તમે તો ભાજપની છઠ્ઠી જાણો જ છો અને ભાજપનાં ખોટા કાર્યોને આપણે તો જાહેરમાં ખુલ્લાં પાડ્યાં છે, ભાજપને લીધે આપણા ભાઈઓએ જીવ ગુમાવ્યા છે.
અમે ભાજપમાં જોડાયા ત્યારે તમને તો ખૂબ જ ખોટું લાગ્યું હતું અને તમે તો વાક્બા થી અમારા ઉપર ખૂબ જ પ્રહાર કર્યા હતા. આજે એ જ ભાજપ છે ભાઈ, તો એ ભાજપનાં વખાણ કયા મોઢે કરો છો?
હું તમને સલાહ એટલે આપું છું કે અમે આ ભ્રષ્ટ-જુઠ્ઠી ભાજપમાં આંટો મારીને પાછા આવ્યા છીએ, અમને પણ 2017માં સરકાર અને સમાજની મિટિંગ પછી સમાજની માગણીઓ પૂરી કરીશું એવું કહીને ભાજપ પગ પકડીને આજીજી કરીને લઈ ગયો હતો, પણ હજુ સુધી એ માગણીઓ તો બાકી જ છે એનું શું કરીશું ?? માંગણીઓની લેખિતમાં ફાઇલ મેં ખુદ મારા હાથે જ ભાજપ સરકારને સોંપેલી છે. શહીદભાઈઓના પરિવારને ભાજપ સરકાર સાથે મુલાકાતો કરાવેલી છે. બીજા ઘણા લોકોએ રજૂઆત કરેલી છે છતાં પણ આ જ માગણીઓ અધૂરી છે એ યાદ અપાવું છું.
આવી ખોટી, ઢોંગી અને દંભી ભાજપના કડવા અનુભવને કારણે મારા ભાઈ તમને સલાહ આપીશ કે જીવનમાં દરેક અનુભવ જાતે ના કરવાના હોય, બીજાના અનુભવ પરથી શીખ લેવાની હોય એટલા માટે ભાજપના કડવા અનુભવ મે તમને જણાવ્યા છે, સાથે-સાથે યાદ અપાવીશ કે સમાજની માગણીઓને આજે પણ લટકાવીને રાખવાવાળા આ જ ભાજપે તમને જાતિવાદી, દેશદ્રોહી, ખરતો તારો કીધું હતું એ યાદ રાખજો અને ભાજપને પાડી દેવાની જે પ્રતિજ્ઞા લીધી હતી એના ઉપર તમે કાયમ રહેશો એવી આશા રાખું છું.
મારી સલાહ છે કે અમે જે ભૂતકાળમાં ભાજપ ઉપર વિશ્વાસ કરવાની ભૂલ કરી એ ભૂલ તમે ના કરતા.
તમારા પત્રમાં અને તમારી ભાષા માં ભાજપ માટેની પ્રીત છલકાય રહી છે, પણ ભાજપની બેવફાઈ યાદ રાખજો અને અમારા અનુભવમાંથી શીખ લેજો.
જય હિન્દ
ભારત માતા કી જય
વંદે માતરમ
તમારી સંઘર્ષની સાથી બહેન
રેશ્મા પટેલના જયશ્રી રામ
