એક અમદાવાદીએ કેવી રીતે ઉજવ્યો શહેરનો બર્થ ડે?

અમદાવાદ: ગુજરાતનું એક એવું શહેર કે જેની વિશ્વના ફલક પર નોંધ લેવાઈ ચૂકી છે એ અમદાવાદનો આજે 609મો જન્મદિવસ છે. હેપ્પી બર્થ ડે અમદાવાદ…

અમદાવાદ અત્યારે માત્ર ગુજરાત કે ભારત જ નહીં, પણ એશિયાના એક મહત્વનું શહેર તરીકે ઉભરી આવ્યું છે. પૂર્વના માન્ચેસ્ટરનું બિરુદ પણ તેને મળી ચૂક્યું છે એ વાત હવે નવી નથી. તાજેતરમાં જ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો એથી વિશ્વભરના પ્રવાસીઓ તેની તરફ આર્ષિત થશે એ દેખીતું છે. આ ઉપરાંત અમદાવાદ અનેક વિશ્વ ફલકીય ઘટનાઓનું સાક્ષી રહ્યું જ છે.

સાથે સાથે, આ શહેરનો ઈતિહાસ પણ એટલો જ રોચક અને જાણવાલાયક છે.

હજી બે દિવસ પહેલાજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદની મુલાકાતે આવ્યા અને આ શહેરને વધુ એક વૈશ્વિક ઓળખ અપાવી. આ શહેર અનેક ઈતિહાસ સાચવીને બેઠું છે. સાબરમતીના નીરમાં ડોકિયા કરીને એ પોતાની વીતેલી યાદોને તાજી કરવા મથામણ કરી રહ્યું છે…..

અમદાવાના આ જન્મદિવસની ઉજવણી કરવા એક અનેખો અમદાવાદ પ્રેમીએ શહેરનો એક વિડિયો બનાવ્યો છે. આ વિડિયોમાં તેમણે તેના અમદાવાદ પ્રત્યેના પ્રેમને દર્શાવ્યો છે. 42 વર્ષના રાકેશ ગોસ્વામી ઘણાં વરસો યુરોપમાં રહ્યા. 2017માં અમદાવાદ માટેનો એમનો અસીમ પ્રેમ એમને પાછો પોતાના શહેરમાં અને પોતાના પરિવાર પાસે ખેંચી લાવ્યો, એનું ઉદાહરણ એમના પોતાના હાથમાં ચિતરેલું કાયમી આઈ લવ અમદાવાદનું ટેટુ છે. એમની મોટાભાગની ટિશર્ટ-શર્ટ પર પણ અમદાવાદપ્રેમ છલકતો રહે છે.

ચિત્રલેખા.કોમ સાથેની વાતચીતમાં એ કહે છે કે હું દર વરસે અમદાવાદનો બર્થડે સેલિબ્રેટ કરું છું. છેલ્લાં પાંચ-છ વરસમાં જ આપણા આ શહેરમાં આવેલો મોટા-મોટા પરિવર્તનોને દર્શાવવા આ વર્ષે મેં એક વિડિયો બનાવવાનો વિચાર કર્યો જે અત્યારે યુટ્યુબ પર છે. આ વિડિયોમાં મેં જૂના ને નવા અમદાવાદની જૂની ને નવી ખાસિયતો બતાવવાનો પ્રયાસ કર્યો છે. અમદાવાદની ભૂગોળ પણ સતત વિસ્તરતી રહી છે એટલે બહારથી શહેરમાં ઘણો ફેરફાર આવ્યો હોય એમ દેખાય છે, પણ અંદરથી અમદાવાદનો મિજાજ તો એવો ને એવો જ રહ્યો છે મારે આ વિડિયો દ્વારા એટલું જ કહેવું છે.

રાકેશભાઈએ આ અગાઉ અમદાવાદનું નામ કર્ણાવતી ન કરવા માટે પિટિશન પણ ફાઈલ કરી હતી. એ એમના જેવા જ અમદાવાદપ્રેમી મિત્રો સાથે મળી અમદાવાદ રોકેટ્સ નામનું ગ્રુપ પણ ચલાવે છે જે શહેર માટે વિવિધ કામો કરે છે.