ભાવનગરમાં વુમનિયા નાટક શ્રેણીનો નવતર પ્રયોગ

ભાવનગરઃ આ શહેરને સાંસ્કૃતિક નગરી તરીકે ઓળખવામાં આવે છે. આ શહેરના લોકો કલા પ્રેમી અને કલાના કદરદાન લોકો છે. આ કલા નગરીમાં આવેલા યશવંતરાય નાટ્યગૃહ ખાતે વુમનિયા-ટુ ત્રણ એકાંકીનો પ્રયોગ યોજાયો હતો. માત્ર સ્ત્રી પાત્રો જ છતા ભૃણ હત્યા, દેરાણી-જેઠાણી કે પછી સાસુ વહુની કોઈ વાત જ નહી. કોઈ પારિવારિક કોમેડી નહી, કોઈ લાઉડનેસ પણ આ પ્રયોગમાં નહોતી. પ્રોફેશનલ નાટકોમાં હોય તેવી ચુસ્ત સ્ક્રીપ્ટ, યોગ્ય સ્ટેજ સજાવટ, સંતુલિત અવાજ, ટાંચા સાધનો સાથે પણ સુનિયોજીત પ્રકાશ નિયોજન અને કેરેક્ટરની સ્ટેજ પરની પોઝિશન, વેશભૂષા અને મુવમેન્ટ સાથેનું કાબિલેદાદ દિગ્દર્શન સાથે આ ત્રણ એકાંકી પ્રસ્તુત થયા અને દર્શકોએ પણ આ ત્રણેય નાટકોને હર્ષભેર વધાવ્યા.

ડૉ. અમિત ગલાણી અને સહયોગી ટીમ દ્વારા અગાઉ પણ આ જ શ્રેણીમાં પ્રથમ પ્રયોગ થયો હતો અને આ બીજો પ્રયોગ હતો. હજી  આવા પાંચ પ્રયોગો ‘ વુમનિયા ‘ સાથે કરવાની જાહેરાત ડૉ.  અમિત ગલાણીએ કરી હતી. અત્યાર સુધીમાં છ એકાંકી, બે પ્રયોગ દ્વારા રજૂ થયા અને હજુ આવા ૧૫ એકાંકી પાંચ પ્રયોગ દ્વારા રજૂ થશે જેમાં માત્ર સ્ત્રી પાત્રો જ હશે. વધુમાં ઉલ્લેખનીય છે કે, આ શ્રેણીમાં સ્ટેજ પર સિવાયનું તમામ કામ ભાઇઓ સંભાળી રહ્યાં છે.

અમી પુજા ટ્રસ્ટ અને ટીમ વર્ક ઓફ થિએટર્સ દ્વારા થતો આ વુમનિયા શ્રેણી પ્રયોગ આ પ્રકારના કાર્યક્રમોમાં કદાચ સમગ્ર ગુજરાતમાં અનોખો અને એકમાત્ર પ્રયોગ છે.