ઈન્સ્ટાગ્રામમાં છવાયા રતન તાતાઃ ફોલોઅર્સ 10 લાખને પાર

નવી દિલ્હીઃ રતન તાતા સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહેતા ઉદ્યોગપતિઓ પૈકીના એક છે. તાતાનો ઈન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સનો આંકડો 10 લાખની પાર પહોંચતા રતન તાતાએ ખૂશી વ્યક્ત કરતા પોસ્ટ કરી છે. ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો પોસ્ટ કરતા ટાટાએ લખ્યું કે, મેં અત્યારે જોયું કે આ પેજ પર લોકોની સંખ્યા 10 લાખની પાર પહોંચી ગઈ છે. આ અદભૂત ઓનલાઈન પરિવાર છે, જેના વિશે મે ઈન્સ્ટાગ્રામ સાથે જોડાયો તે સમયે વિચાર્યું પણ નહોતું. હું આપ તમામ લોકોનો ધન્યવાદ માનું છું. તેમની આ પોસ્ટ પણ વાયરલ થઈ ચૂકી છે અને પ્રાપ્ત વિગતો અનુસાર આ પોસ્ટને 3 લાખ કરતા વધુ લોકોએ લાઈક કરી છે.રતન તાતાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે સૌથી વધારે મહત્વનું ઈન્ટરનેટ પર આપણા લોકો વચ્ચે થનારો ગુણવત્તાપૂર્ણ સંવાદ છે. તમારી કોમ્યુનિટીનો સભ્ય હોવું અને તમારા લોકો પાસેથી શીખવું તે મારા માટે ખૂબ આનંદ દાયક અને ખુશીઓથી ભરેલું રહ્યું છે. મને આશા છે કે આ શાનદાર સફર આ જ રીતે ચાલુ રહેશે.

ગત વર્ષે ઓક્ટોબરમાં જ ઈન્સ્ટાગ્રામ સાથે જોડાનારા રતન તાતાની પહેલી પોસ્ટ ખૂબ વાયરલ થઈ હતી. ઈન્સ્ટાગ્રામ સાથે જ રતન તાતા ટ્વીટર પર પણ ખૂબ સક્રિય છે અને તેમના 70 લાખથી વધારે ફોલોઅર્સ છે. તાજેતરમાં જ તેમણે પોતાની યુવાવસ્થાનો એક ફોટો શેર કર્યો હતો, જેના પર લોકોએ ખૂબ રસપ્રદ કોમેન્ટ્સ કરી હતી. ત્યાં સુધી કે સોશિયલ મીડિયા યૂઝર્સે તેમને હોલીવુડ સ્ટાર જેવા ગણાવ્યા હતા.

રતન તાતાને તેમના ઉદાર સ્વભાવ માટે ખૂબ પસંદ કરવામાં આવે છે. વ્યાપારની દુનિયાના તેઓ એ કેટલાક જૂજ લોકો પૈકીના એક છે કે જેમણે સામાન્ય લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ટાટા સ્ટીલ, ટીસીએસ અને ટાટા મોટર્સ સહિત ઘણી દિગ્ગજ કંપનીઓ તે ટાટા સમૂહનો ભાગ છે કે જેનું નેતૃત્વ રતન ટાટા કરતા રહ્યા છે.