ગાંધીનગર– અન્ય રાજ્યોમાં વસતાં ગુજરાતીઓને પોતાના વતનના વારસાને માણવાજાણવા માટે અને વતનપ્રેમનો તંતુ સદ્રઢ બનાવવાની તક સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. ગુજરાત સરકારે બિનનિવાસી ગુજરાતીઓની યુવા પેઢી માટે 10 દિવસ માટે ગુજરાત પરિભ્રમણ યોજના શરુ કરી છે.
આ યોજના અંતર્ગત ૧૦ દિવસની મુલાકાતમાં રાજ્યની સંસ્કૃતિ, ઔદ્યોગિક પ્રગતિ, મહત્વની યોજનાઓ, શિક્ષણ-ઊર્જા, પ્રવાસન અને ઐતિહાસિક-સાંસ્કૃતિક સ્થળોની મુલાકાત લેશે. રાજ્યની ભાષા, હાથ વણાટ, રસોઇકળા અંગે પણ જાણકારી મેળવશે. પ્રવાસ દરમિયાન રાજ્યના મહાનુભાવો અને શિક્ષણ અને સાંસ્કૃતિકક્ષેત્રના વિદ્વાનો સાથે મુલાકાત કરશે.
આ પ્રકારની અલગઅલગ રાજયોની ૨૫ યુવાઓની બે બેચ દર વર્ષે રાજ્યની મુલાકાત લઇ પોતાના મૂળ વતન સાથે જોડાશે. જે તે યુવાઓની બેચ રાજ્યમાં આવે ત્યારબાદની પરિવહન, રહેવાજમવા, સ્થળ મુલાકાત જેવી સુવિધાઓ રાજ્ય સરકાર પૂરી પાડશે.
આ પરિભ્રમણ કાર્યક્રમ માટે ૧૮ થી ૨૬ વર્ષની આયુ ધરાવતા ૫૦ બિનનિવાસી યુવાનોની ૨૫-૨૫ના બે ગ્રુપ વર્ષમાં ગુજરાત આવશે. આ માટેની પસંદગી જે તે રાજ્યના રજિસ્ટર્ડ ગુજરાતી સમાજની મંજૂરીથી કરાશે. દસ દિવસના આ કાર્યક્રમમાં આઠ દિવસ ગુજરાત પરિભ્રમણ અને મુલાકાત તથા બે દિવસીય વર્કશોપ યોજાશે. વર્કશોપ બાદ સ્પર્ધાનું આયોજન કરીને વિજેતાઓને પ્રમાણપત્ર ઇનામો આપીને પ્રતિભાવ-સૂચનો પણ લેવાશે. સંબંધિત રાજ્યોમાંથી ગુજરાત-અમદાવાદ આવવા તથા પરત જવાનો પરિવહન ખર્ચ જેતે વ્યક્તિ/ગ્રુપનું રહેશે. અહીં આવ્યા બાદ તમામ સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા પૂરી પડાશે.