બે દિવસના ઉપવાસી ડૉ. પ્રવીણ તોગડીયાએ પારણાં કર્યાં, સાધુસંતોએ સમજાવ્યાં

અમદાવાદ: ડો. પ્રવીણ તોગડિયાએ અંતે આજે ત્રીજે દિવસે ઉપવાસ છોડી દીધાં છે. તેઓ અનિશ્વિત કાળના અનશન પર બેઠાં હતાં. મળતી માહિતી અનુસાર ઉપવાસ દરમિયાન તેમનું સ્વાસ્થ્ય લથડી જતાં સંતોએ તેમને સમજાવ્યા હતા. સંતોની સમજાવટ બાદ પ્રવીણ તોગડિયાએ પારણા કર્યા છે.

ઉલ્લેખનીય છે કે ઉપવાસ આંદોલન દરમિયાન પ્રવીણ તોગડીયાની તબિયત ખરાબ થઈ ગઈ હતી. ડોક્ટરના જણાવ્યા અનુસાર પ્રવીણ તોગડીયાનું બ્લડ શુગર 62 થઈ ગયું હતું અને બ્લડ પ્રેશર હાઈ થયું હતું. તબિયત વધારે ખરાબ થાય તો તોગડીયાને દાખલ પણ કરવા પડતાં અને એટલા માટે જ ડોક્ટરે ઉપવાસ બંધ કરવા સલાહ આપી હતી અને આખરે સાધુ સંતોએ તેમને સમજાવ્યા બાદ તેઓ પારણા કરવા રાજી થઈ ગયાં હતાં.

સમગ્ર મામલે પ્રવીણ તોગડીયાએ જણાવ્યું કે સંતોના આદેશ અને આગ્રહને માન આપીને મેં જે અનિશ્ચિતકાળ માટેનું ઉપવાસ આંદોલન કર્યું હતું તેને મેં આજે પૂર્ણ કર્યું છે અને હિંદુત્વના કામને વધુ આગળ લઈ જવાનો સંકલ્પ કર્યો છે. હિંદુત્વની યાત્રાનો સંકલ્પ આજે પણ અધૂરો છે અને મારો આ સંકલ્પ ત્યારે પૂરો થશે જ્યારે અયોધ્યામાં રામની જન્મભૂમિ પર રામમંદિર બનશે, ગૌહત્યાબંધીનો કાયદો બનશે, સમાન નાગરિક કાયદો બનશે, અને કશ્મીરી હિંદુઓ જ્યારે પોતાના ઘરે જશે. મેં સંકલ્પ કર્યો છે કે હિંદુ જનતા, સંતોના આશીર્વાદ અને મારા કાર્યકર્તાઓના સહયોગથી મારી આ હિંદુત્વની યાત્રા કે જે હું છેલ્લાં 32 વર્ષથી ચલાવી રહ્યો છું તેને વધુ આગળ ધપાવતો રહીશ.

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]