ગુજરાતમાં પહેલી જ વારઃ નવરાત્રીના દિવસોમાં શાળા-કોલેજોમાં રજા રહેશે

અમદાવાદ – ગુજરાતમાં નવરાત્રીમાં રાસ-ગરબાના ખેલૈયાઓ માટે ખુશખબર છે. આ વર્ષે કોલેજો ઉપરાંત શાળાનાં વિદ્યાર્થીઓને પણ નવરાત્રીમાં વેકેશનનો લાભ મળશે.

શિક્ષણ વિભાગે ગુજરાતમાં પહેલી જ વાર નવરાત્રીના તહેવારમાં રજાઓની ગઈ કાલે જાહેરાત કરી હતી.

ગુજરાત સરકારે નવરાત્રીના તહેવારના દિવસોમાં માત્ર કોલેજો અને યુનિવર્સિટીઓ માટે રજાની ગયા મહિને જાહેરાત કરી હતી.

રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગઈ કાલે કહ્યું કે, નવરાત્રી વખતનો અમારો અનુભવ કહે છે કે વિદ્યાર્થીઓની હાજરી બહુ પાંખી હોય છે. તેથી એવું નક્કી કરાયું છે કે વિદ્યાર્થીઓને વહેલી સવાર સુધી ગરબા રમ્યા બાદ બીજા દિવસે સવારે શાળા-કોલેજોમાં હાજર થવાની ફરજ પાડવાને બદલે એમને રજા આપી દેવી. , દિવાળીનું વેકેશન ત્રણ અઠવાડિયાને બદલે બે અઠવાડિયાનું રહેશે.

રાજ્યના શિક્ષણ વિભાગના સચિવ અંજુ શર્માએ કહ્યું કે કોલેજો અને યુનિવર્સિટીઓમાં સમાન શૈક્ષણિક કેલેન્ડર ગયા જૂનમાં જ બહાર પાડી દેવામાં આવ્યું હતું. હવે એવું નક્કી કરાયું છે કે સમાન નિયમ શાળાઓ માટે પણ લાગુ કરવો.

આ વર્ષે શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં નવરાત્રીના તહેવાર દરમિયાન 15 ઓક્ટોબરથી 21 ઓક્ટોબરના દશેરા પર્વ સુધી રજા રહેશે.

સરકારે બીજી બાજુ, દિવાળીના વેકેશનમાં કાપ મૂક્યો છે. દિવાળીનું વેકેશન ત્રણ અઠવાડિયાને બદલે બે અઠવાડિયાનું કરી નાખ્યું છે. વિદ્યાર્થીઓને આ વર્ષે દિવાળી વેકેશન 5 નવેંબરથી 18 નવેંબર સુધી મળશે.

અંજુ શર્માએ કહ્યું કે, અમે કોલેજવિદ્યાર્થીઓ માટે નવરાત્રી વેકેશનની જાહેરાત કર્યા બાદ શાળાનાં વિદ્યાર્થીઓનાં માતા-પિતાઓ તરફથી માગણી કરવામાં આવી હતી કે નવરાત્રી દરમિયાન શાળાઓને પણ બંધ રાખવી જોઈએ, કારણ કે ગુજરાતમાં આ સૌથી મોટો તહેવાર હોય છે. તેથી અમે એમની માગણીનો સ્વીકાર કર્યો છે.