ગુજરાત વાસીઓને ગરમીથી મળશે આંશિક રાહત! જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં હાલ આકાશમાંથી જાણે આગના ગોળા વરસતા હોય તેવી તીવ્ર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જોકે, હવામાન વિભાગે રાજ્યના લોકો માટે રાહતજનક સમાચાર આપ્યા છે. વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં તાપમાન 2થી 4 ડિગ્રી ઘટવાની શક્યતા છે. આ સાથે, દરિયામાં તીવ્ર પવનોને કારણે માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.

હવામાન વિભાગ ગરમીને લઈ આગાહી કરતા જણાવ્યું કે, આગામી 24 કલાક સુધી હવામાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની શક્યતા નથી અને હાલની સ્થિતિ જળવાઈ રહેશે. જોકે, ત્યારબાદ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની આશા છે. તેમણે ઉમેર્યું કે, સૌરાષ્ટ્રના કચ્છ, રાજકોટ, ભાવનગર, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર તેમજ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાઠા, પાટણ અને મહેસાણામાં ગંભીર હીટવેવની સ્થિતિને ધ્યાને રાખી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, બોટાદ, જુનાગઢ અને સુરતમાં હીટવેવની યલો ચેતવણી આપવામાં આવી છે, જ્યારે અન્ય જિલ્લાઓ માટે હાલ કોઈ ચેતવણી નથી.

10 એપ્રિલના રોજ કચ્છ, રાજકોટ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યલો એલર્ટની આગાહી છે, જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના નકશા મુજબ, 11થી 17 એપ્રિલ સુધી કોઈ ચેતવણી જારી કરાઈ નથી. દરિયાકાંઠા વિસ્તારોમાં આગામી 48 કલાક સુધી ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાની સંભાવના છે, જેના કારણે દરિયામાં ભારે પવનની સ્થિતિ સર્જાશે. આને ધ્યાનમાં રાખીને માછીમારોને સમુદ્રમાં જવાથી રોકવાની સૂચના આપવામાં આવી છે.