અમદાવાદઃ રાજ્યના બોટાદ અને અમદાવાદના લઠ્ઠાકાંડથી ધડો લેતાં દક્ષિણ ગુજરાતની પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ગેરકાયદે દારૂના વેચાણને અટકાવવા માટે દક્ષિણ ગુજરાતના એડિશનલ DGP રાજકુમાર પાંડિયને કેમિકલનો વેપાર કરનારા બધા વેપારીઓની એક બેઠક બોલાવી હતી, જ્યાં તેમણે વેપારીઓને મેથેનોલ આલ્કોહોલ્ક કેમિકલના ઉપયોગમાં નિયમોનું પાલન કરવા અને એનો ગેરકાયદે દુરુપયોગ ન થવા દેવાની ચેતવણી ઉચ્ચારી હતી.
રાજ્યના બોટાદ જિલ્લામાં ઝેરી દેશી દારૂ પીને અત્યાર સુધી 42 લોકોએ જીવ ગુમાવ્યા છે. હજી હાલ પણ 97 લોકોની સારવાર ચાલી રહી છે. હજી ઘણાની હાલત ગંભીર બની છે.
એ વાત સુવિદિત છે કે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં દારૂનું ચલણ વર્ષો સુધી ચાલતું રહ્યું છે. આ પાંચ જિલ્લાઓમાંથી એક સુરતના કડોદરામાં વર્ષ 2016માં ઝેરી દારૂ કાંડ થયો હતો, જેમાં બે ડઝનથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. એ વખતે પણ પોલીસ અને સરકારે દારૂમાં મેથેનોલ કેમિકલનો પ્રયોગ કર્યાથી મોતનો હવાલો આપ્યો હતો.
દારૂબંધીવાળા ગુજરાતમાં પોલીસ દારૂને લઈને કોઈ જોખમ નથી ઉઠાવવા ઇચ્છતી. સુરત ગ્રામીણ પોલીસ હેઠળ આવતા ઓલપાડ થાણા વિસ્તારમાં કિમ પોલીસ ચોકી ક્ષેત્રના કઠોદરા ગામમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાનો વિડિયો વાઇરલ થયા પછી સુરત ગ્રામીણ SPએ પોલીસ ચોકીના સબ-ઇન્સ્પેક્ટર વિજય પંડ્યા, હેડ કોન્સ્ટેબલ અનિલ બસંતભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ નીલેશ રામુભાઈને સસ્પેન્ડ કરી દીધા હતા.