ગાંધીનગર– વર્તમાન સરકારે ગુજરાતના 6 લાખથી વધુ કર્મચારીઓના હિતમાં અનેકવિધ નિર્ણયો લીધા છે, જેના ભાગરૂપે કેન્દ્ર સરકારની સાથે સાથે સમગ્ર દેશમાં સાતમા પગાર પંચનો લાભ આપનાર ગુજરાત અગ્રેસર રાજ્ય છે. 7મા પગાર પંચ મુજબ રાજ્યના કર્મીઓને ઘરભાડા ભથ્થા/પગાર તફાવતની ચૂકવણી કરવા માટે મંત્રીશ્રીઓની પેટા સમિતિ અને મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને કમિટી બનાવવામાં આવી છે, જે કમિટિ આ ભથ્થાઓ અંગે ભવિષ્યમાં યોગ્ય નિર્ણય કરશે, તેમ આજે વિધાનસભાગૃહમાં પ્રશ્નોત્તરીકાળમાં સાતમા પગાર પંચ પ્રમાણે કર્મીઓને ઘરભાડા ભથ્થા આપવા અંગેના ધારાસભ્યોના પ્રશ્નનો પ્રત્યુત્તર આપતાં નાણાપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું.રાજ્યના કર્મીઓને હાલમાં છઠ્ઠા પગાર પંચ મુજબ ઘરભાડા ભથ્થા આપવામાં આવે છે. ઘર ભાડા ભથ્થા માટે ૫૦ લાખથી વધુ વસતી ધરાવતા મેટ્રોસિટી, 5 થી 10 લાખની વસતી તેમજ 5 લાખથી ઓછી વસતી ધરાવતા શહેરો એમ ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા છઠ્ઠા પગાર પંચ મુજબ 30 ટકાના દરે ઘરભાડા ભથ્થા અપાતા હતા તે હવે 7મા પગાર પંચમાં ઘટાડીને 24 ટકા કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ આગામી ભવિષ્યમાં 7મા પગાર પંચ મુજબ કર્મીઓને ઘરભાડા ભથ્થા અંગે સમિતિના અહેવાલ બાદ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]