હાઈકોર્ટે આપ્યાં અલ્પેશ કથીરીયાને જામીન, પાટીદારોમાં ઉત્સાહનો સંચાર

અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન સમયે સપાટી પર આવેલો અલ્પેશ કથીરીયાની જેલમુક્તિનો મુદ્દો એ વખતે સફળ થયો ન હતો પરંતુ આજે તેમાં નવો પ્રાણ પૂરાયો છે. ગુજરાત હાઈકોર્ટે રાજદ્રોહના કેસમાં અલ્પેશ કથીરીયાને જામીન છેવટે આપી દીધાં છે.
પાટીદાર આંદોલન વખતથી રાહદ્રોહના કેસમાં જેલમાં બંધ અલ્પેશ કથીરિયાને જામીન મળ્યાં છે. અમદાવાદમાં જીએમડીસીમાં રાજદ્રોહના કેસ મામલે અલ્પેશના જામીન માટે હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં કોર્ટે રાહત આપતાં જામીન માન્ય રાખ્યાં હતાં.
યાદ કરાવીએ કે પાટીદાર અનામત આંદોલન વખતે હાર્દિક પટેલ, દિનેશ બાંભણીયા અલ્પેશ કથીરીયા સહિત અનેક પાસ કન્વીનરો પર રાજદ્રોહનો કેસ દાખલ થયો હતો. ક્રમશઃ હાર્દિક સહિતના કન્વીનરો જામીન મુક્ત થયાં હતાં, જ્યારે અલ્પેશને જામીન મળ્યા ન હતાં. અલ્પેશને સૂરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો હતો.કથીરીયાને જામીન મંજૂરા સંદર્ભે પાસ કન્વીનર ચિરાગ પટેલે જણાવ્યું   “અમે ચાર લોકો રાજદ્રોહના કેસમાં સાત મહિના જેલમાં રહ્યાં હતાં.  આ કેસમાં અલ્પેશને હાઇકોર્ટમાંથી જામીન મળ્યાં છે. અલ્પેશના વકીલ તરફથી દલીલ થઈ હતી કે તેને પણ જામીન મળવા જોઈએ. અમે દેશ વિરોધી કોઈ કૃત્ય નથી કર્યું. જામીન માટે કોર્ટનો ખૂબ ખૂબ આભાર. ભવિષ્યમાં અમે પાટીદાર સમાજના હિતમાં સમાજને કંઈ મળે તે માટે પ્રયાસ કરીશું.”
તો કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા પ્રતિક્રિયા આપી કે “અમે ચૂકાદાની આતુરતાથી રાહ જોતા હતા. ન્યાયતંત્ર ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ હતો. સરકાર તરફથી ખોટા ગુનાઓ ઉભા કરીને ખોટા કેસમાં પાટીદાર યુવાઓને ફસાવી દેવામાં આવ્યા હતા. સરકારી વકીલના અનેક પ્રયાસો છતાં હાઈકોર્ટે જામીન આપ્યા છે તે ખરેખર આનંદની વાત છે.”
હાર્દિકે આમરણાંત ઉપવાસ સમયે અલ્પેશની જેલમુક્તિની માગણી કરી હતી.
અલ્પેશ કથીરીયા ઉપર જોકે અન્ય કેસો પણ છે ત્યારે ખરેખર તે ક્યારે જેલબહાર આવશે તે જોવું રહ્યું.