અમદાવાદઃ રેલ્વે સ્ટેશન બહાર પેસેન્જર માટે રીક્ષા ચાલકોનો રાફડો યથાવત..

અમદાવાદ– શહેરના રેલ્વે સ્ટેશન પાસે એક તરફ અંદર વાહન ચાલકોને કેમ્પસમાં એન્ટ્રી મારવા માટે ચાર્જ વસુલતા બોર્ડ મારીને કેબીનો બનાવવામાં આવી છે. શહેરમાં એરપોર્ટની જેમ જ રેલ્વે સ્ટેશનને આધુનિક બનાવી પ્રવાસીઓને ઓછી તકલીફ થાય અને વાહનોનો જમાવડો વધારે ન થાય એવા પ્રયાસો શરુ થયાં. જેમાં 15 મિનિટથી 1 કલાક , 1 થી 2 કલાક અને 2થી ત્રણ કલાકનો ચાર્જ વસુલવાના પાટિયા લગાડ્યા છે.

પાર્કિગની સુવિધા અને ટ્રાફિકનું ભારણ ઓછું કરવા, નિયમન સારું કરવા પ્રયાસ થઇ રહ્યા છે. પરંતુ હજુ પણ રેલ્વે સ્ટેશનની બહાર ચાર્જ વસુલતી પાવતીઓ ચેક કરતી કેબીનોને અડીને તેમજ મુખ્ય માર્ગો પર રીક્ષા ચાલકો અડીંગો લગાવી બેસી જાય છે.

રેલ્વે સ્ટેશનના બહારના માર્ગ પર સારંગપુરથી કાલુપુર એ એકદમ વ્યસ્ત વાહન વ્યવહાર-ધંધા રોજગારથી ધમધમતો માર્ગ છે. શહેરના કાપડ બજાર, ચોખા બજાર, ગોળબજાર, તેલ બજાર, ઇલેકટ્રોનિક્સ-ઇલેકટ્રિકલ જેવા અનેક બજાર રેલ્વે સ્ટેશનની નજીક છે. ટ્રાફિકથી ધમધમતા રેલ્વે સ્ટેશનની નજીકના પાંચકુવા-રિલીફ રોડ જેવા માર્ગોને અડીને અનેક રીક્ષા ચાલકો-સટલીયાનો વચ્ચો વચ ખડકડો થઇ જાય છે.

ટ્રાફિક પોલીસ, આર.પી.એફ, તેમજ ટીઆરબી સહાયકો  જેવા શિસ્ત બધ્ધ ફોર્સની હાજરી હોવા છતાં રીક્ષા ચાલકો માર્ગો પર સ્થિર થતાંની સાથે જ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે.

તસવીર અને અહેવાલ: પ્રજ્ઞેશ વ્યાસ