વનબંધુ-આદિજાતિઓ માટે થયાં 10 મહત્ત્વપૂર્ણ નિર્ણય…

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રુપાણીના નિવાસસ્થાને યોજાયેલી એક સમીક્ષા બેઠકમાં વનબંધુ-આદિજાતિઓના લાભાર્થે 10 મોટ નિર્ણય લેવામાં આવ્યાં છે.સીએમની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી આદિજાતિ વિકાસ વિભાગની ઉચ્ચસ્તરીય બેઠકમાં આ વનબંધુઓના સર્વગ્રાહી વિકાસ અને જીવન ધોરણમાં વૃધ્ધિના મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતાં.

હાઈલાઈટ્સ

આદિજાતિ વિસ્તારમાં વધારાનું ખેતીવિષયક વીજ જોડાણ આદિજાતિ ખાતેદાર ૪ એકર જમીન હશે તો પણ મેળવી શકશે

વીજ જોડાણ મેળવવા માટે ખાતેદાર પાસે ૮ એકરથી વધુ જમીન હોવી આવશ્યક છે. પરંતુ આદિજાતિ વિસ્તાર માટે આ નિયમમાં છૂટછાટ આપવામાં આવી

આદિજાતિ વિસ્તારમાં અનાજ દળવાની ઘંટી માટે કનેકશન લેવા N.A પ્રમાણપત્ર મેળવવાથી મુકિત

આદિજાતિના હોનહાર બાળકોને સેપ્ટ-રક્ષાશકિત, ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી જેવી ઉચ્ચશિક્ષણ સંસ્થા-યુનિવર્સિટીમાં અભ્યાસ માટે એસસી-ઓબીસી. વિદ્યાર્થી સમકક્ષ શિષ્યવૃત્તિ અપાશે

196 ફોરેસ્ટ વિલેજનું રેવન્યૂ વિલેજ રેકર્ડ એક માસમાં તૈયાર કરાશે

આદિવાસી વિસ્તારમાં સિંચાઇ યોજનાના અસરગ્રસ્તોને પુન:વસવાટના ઝડપી લાભો આપવા મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને વરિષ્ઠ સચિવોની બેઠક બોલાવી 15 દિવસમાં બેઠક બોલાવી વ્યવહારુ ઉકેલ લાવવામાં આવશે

 જે આદિજાતિ પરિવારો-વ્યકિતઓ ખેતી કરે છે તેવા અસરગ્રસ્તોને તેમની પેદાશોને ટેકાના ભાવનો લાભ આપવા ગુજરાત રાજ્ય નાગરિક પૂરવઠા નિગમ એક મહિનામાં કાર્યવાહી કરશે

આશ્રમ શાળાઓમાં અને છાત્રાલયોમાં રસોઇ માટે લાકડાને બદલે ગેસની સગવડ

આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની તમામ શાળાઓની જમીન મેળવવાની પડતર ૪૭ દરખાસ્તો પરની કાર્યવાહી મહેસૂલ વિભાગ પંદર દિવસમાં પૂર્ણ કરી દેવાશે 

આદિજાતિ વિસ્તારની શાળાઓમાં ખૂટતાં અને જર્જરિત કુલ 3360 ઓરડાઓ-વર્ગખંડો માટેની કામગીરીને ર૦૧૮-૧૯ના સુધારેલ અંદાજમાં શિક્ષણવિભાગને હવાલે મૂકીને સત્વરે પૂર્ણ કરાશે

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં આદિજાતિ વિકાસપ્રધાન ગણપતસિંહ વસાવા, મુખ્ય સચિવ ડૉ. જે. એન. સિંહ, વન-પર્યાવરણ, મહેસૂલ, આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓએ ભાગ લીધો હતો.