ગુજરાતનું ગૌરવઃ 4 પોષકદ્રવ્ય આપતી ‘લિપસ્ટિક એક્યુલિપ્સ’ માટે રીસર્ચ લેબ રાષ્ટ્રીય એવોર્ડ જીતી

અમદાવાદઃ ગુજરાતની અનોખી પ્રોડક્ટ – ટેક્નોલોજીના સંશોધન માટે તેમ જ ઈનોવેશન ગેલેરીમાં આકર્ષણરૂપ બનવા માટે એક્યુપ્રેક રીસર્ચ લેબ બે કેટેગરીમાં યુબીએમ ઈન્ડિયા ફાર્મા એવોર્ડ જીતી છે. ઈનોવેશનની કેટેગરીમાં બે એવોર્ડ હાંસલ કરનાર રાજ્યની પ્રથમ લેબોરેટરી છે. આમાંથી એક એવોર્ડ મહિલાઓ માટે ક્રાંતિકારી બની શકે એવી લિપસ્ટિક એક્યુલિપ્સ માટે મળ્યો છે. તે લિપસ્ટિક લગાવવાથી ચાર પોષક દ્રવ્યો મળી રહે એવા ઉત્કૃષ્ટ સંશોધન માટે આપવામાં આવ્યો છે. બીજો એવોર્ડ ઈનોવેશન ગેલેરીમાં શ્રેષ્ઠ રજૂઆત માટે એનાયત થયો છે.દિલ્હીના ગ્રેટર નોઈડામાં ગત 12મી ડિસેમ્બરના રોજ યોજાયેલા સમારોહમાં એક્યુપ્રેક વતી ડિરેક્ટર અને સીએમઓ મયૂર કંડોરીયાના નેતૃત્વમાં ટીમે ઈન્ડિયા ફાર્મા એવોર્ડનો સ્વીકાર કર્યો હતો. અનેક મોટી કંપનીઓના નામો આ એવોર્ડ માટે હતાં, તેમાંથી મહિલાઓના સ્વાસ્થ્ય માટે ભવિષ્યમાં ક્રાંતિકારી બની શકે એવી અનોખી પ્રોડક્ટને જ્યુરીએ એવોર્ડ માટે પસંદ કરી હતી. સીપીએચઆઈ પ્રદર્શન અને આંતરરાષ્ટ્રીય પરિષદને દક્ષિણ એશિયામાં ફાર્માસ્યુટીકલ ઉદ્યોગની સૌથી મોટી ઘટના ગણવામાં આવે છે. તેમાં દસ હજારથી વધુ ફાર્મા એકમો અને એક લાખથી વધારે નિષ્ણાતો ભાગ લે છે. યુબીએમ ઈન્ડિયા ફાર્મા એવોર્ડ દર વર્ષે સીપીએચઆઈ પ્રદર્શન વખતે આપવામાં આવે છે. આ એવોર્ડ સમગ્ર ગુજરાત રાજ્ય માટે ગૌરવની બાબત છે, એમ એક્યુપ્રેકના મેનેજીંગ ડિરેક્ટર મૂળુભાઈ કંડોરીયાએ પત્રકાર – પરિષદમાં જણાવ્યું હતું.

સામાન્ય રીતે મહિલાઓમાં એનિમિયાની સમસ્યા વધારે હોય છે. વૈશ્વિકીકરણના જમાનામાં સ્પર્ધા વધી છે. રોજબરોજની ભાગદોડમાં મહિલાઓ પોતાના પોષણ અને સ્વાસ્થ્યની સારસંભાળ રાખી શકતી નથી. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એક્યુપ્રેક રિસર્ચ લેબે એવી લિપસ્ટિક બનાવી છે કે જે દિવસમાં બે વખત લગાવવાથી તેમાંથી લોહ તત્ત્વ, ફોલિક એસિડ, વિટામીન બી 12 અને વિટામીન સી મળી રહે. લોહતત્ત્વ અને ફોલિક એસિડની ખામી ધરાવતી મહિલાઓ માટે આ લિપસ્ટિક આશીર્વાદરૂપ બની શકે એમ છે. તે બનાવવામાં નેનોટેક્નોલોજી આધારિત ફોર્મ્યુલેશનનો ઉપયોગ થયેલો છે. આ અનોખી પ્રોડક્ટની સૌથી મહત્ત્વની વાત એ છે કે તે આયુર્વેદિક ઔષધિઓમાંથી બનાવવામાં આવેલી હોવાથી તેની આડઅસર થતી નથી. તે 50 રંગોના શેડમાં બનાવવામાં આવેલી છે અને તે બધા રંગો કુદરતી દ્રવ્યોમાંથી બનાવવામાં આવેલા છે. હાલમાં બજારમાં મળતી મોટાભાગની લિપસ્ટિકમાં સીસું, કેડમિયમ, ક્રોમિયમ, જસત, મેગ્નેશિયમ વગેરે હાનિકારક દ્રવ્યો હોય છે, જેનાથી હૃદય, મગજ, કિડની પર આડઅસર થવાની અને સ્તન કેન્સર થવાની શક્યતા હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને વિકસાવવામાં આવેલી આ લિપસ્ટિકને અગાઉ ગુજરાત ઈનોવેશન સોસાયટીનો એવોર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યો છે, એમ એક્યુપ્રેકના ડિરેક્ટર અને સીઈઓ ડૉ. મનીષ રાચ્છે જણાવ્યું હતું.