લેભાગુ કંપનીઓની મિલકતો ટાંચમાં લઇ હરાજી કરી નાગરિકોના નાણાં પરત અપાવાશેઃ સરકાર

ગુજરાત સરકારનો નિર્ણયઃ હરાજી કરી નાગરિકોના નાણાં પરત અપાવાશે
 
રોકાણકારોના નાણાં સત્વરે પરત મળે તે માટે સીઆઇડી ક્રાઇમની નોડલ એજન્સી તરીકે નિમણૂક

ગાંધીનગર– ગુજરાતના વિવિધ શહેરો જિલ્લાઓમાં કેટલીક લેભાગુ કંપનીઓ દ્વારા લોભામણી જાહેરાતો આપી રોકાણકારોના નાણાં પચાવી પાડવામાં આવે છે. આવા રોકાણકારોના નાણાં સત્વરે પાછા મળે તે માટે આવી કંપનીઓની મિલકતો ટાંચમાં લઇ આ મિલકતોની હરાજી કરી રોકાણકારોને નાણાં પાછા અપાવવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. આ માટે સીઆઇડી ક્રાઇમની નોડલ એજન્સી તરીકે પણ નિમણૂક કરી દીધી છે. રાજ્યકક્ષાના ગૃહપ્રધાન જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ લેભાગુ કંપનીઓ રીઝર્વ બેંકની મંજૂરી લીધા વગર ટૂંકાગાળામાં નાણાં ડબલ કરી આપવાના પ્રલોભનો આપીને નાગરિકોની માતબર રકમ પચાવી પાડી છેતરપિંડી કરતી હોય છે. આ માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે, જેના કારણે રોકાણકારોના નાણાં સત્વરે પરત મળશે.

રાજ્યમાં જી.પી.આઇ.ડી. એક્ટ અન્વયે નાયબ કલેક્ટરના હોદ્દાથી નીચે ન હોય તેવા અધિકારીઓની સક્ષમ સત્તાધિકારી તરીકે નિમણૂક કરાઇ છે. કાયદામાં ડેઝીગ્નેટેડ કોર્ટની નિમણૂક કરવાની જોગવાઇ છે, જે મુજબ સમગ્ર રાજય માટે અમદાવાદ, વડોદરા, સૂરત તથા રાજકોટ ખાતે ડેઝીગ્નેટેડ કોર્ટોની રચના પણ કરી દેવાઇ છે. સીઆઇડી ક્રાઇમની નોડલ એજન્સી તરીકે નિમણૂક કરી તપાસનું અસરકારક સુપરવિઝન થઇ શકશે અને એકંદરે રોકાણકારોને ફાયદો થશે.

સીઆઇડી ક્રાઇમની આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા ગેરકાયદે બનાવટી લેભાગુ કંપનીઓ વિરુદ્ધ વર્ષ ૨૦૧૬થી મે ૨૦૧૮ સુધી ૨૮ ગુનાઓ નોંધીને તપાસ હાથ ધરાઇ છે. રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં ૪,૬૨,૬૮૭ રોકાણકારોના અંદાજે રૂા.૭૧૩ કરોડના નાણાં છેતરપિડી કરીને લેભાગુ કંપનીઓએ ઉઘરાવી લીધાં છે. અને પરત કર્યા નથી. આવી કંપનીઓ, પેઢીઓ અને વ્યક્તિઓની તપાસ કરીને ૧૧૪ જેટલી મિલકતો ટાંચમાં લેવા ૧૧ દરખાસ્ત કરાઇ છે, જે સંબંધે રાજ્ય સરકારે મિલકતો ટાંચમાં લેવાના હુકમો કરી ડેઝીગ્નેટેડ કોર્ટમાં એફિડેવિટ પણ કરી છે