રીઝર્વ બેંક શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્રની મધ્યસ્થ સંસ્થાની રચનામાં સહાય કરશે

અમદાવાદઃ:અમદાવાદમાં ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશનના ઉપક્રમે યોજાયેલ ચતુર્વષીય કોન્ફરન્સ અને પ્રદર્શન ‘સહકાર સેતુ 2018’ નું ઉદ્દઘાટન કરતાં રીઝર્વ બેંકના ગવર્નર એન. વિશ્વનાથન ઉપસ્થિત રહ્યાં હતાં.તેમણે જણાવ્યું કે શહેરી સહકારી બેંકીંગ સેકટરમાં  તાકિદે પ્રોફેશનાલિઝમ  લાવવાની જરૂર છે. વધતી સ્પર્ધા સામે ટકવા માગતા હોઈએ તો સહકારી એકમોના વહીવટ અને વિસ્તરણ માટે યોગ્ય પ્રોફેશનલ મેનેજમેન્ટની જરૂર છે. આપણે સાથે મળીને વિકસવા માંગતા હોઈએ તો થાપણદારોમાં ફરી  વિશ્વાસ હાંસલ કરવો આવશ્યક છે કે જેથી તેમનાં નાણાં બેંકોમાં સલામત છે અને તે કોઈ પણ પ્રકારની કટોકટીમાં સલામત રહે તે અમારી સર્વોચ્ચ અગ્રતા રહેશે.  માત્ર બેંકોના  વહીવટ જ  નહીં પણ સાયબર ક્રાઈમની સમસ્યા  હલ કરવા માટે કૌશલ્યને ચોકકસપણે અપગ્રેડ કરવાનુ રહેશે. વિશ્વનાથને વધુમાં જણાવ્યું હતું કે “ખાસ કરીને માધુપુરા બેંકની ઘટના પછી ગુજરાત શહેરી સહકારી બેંકોમાં સુધારાની આગેવાની લેવામાં મોખરે રહ્યું  છે. આ ઘટના પછી શહેરી સહકારી બેંકોના બજાર હિસ્સામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.  વિશ્વનાથને વધુમાં જણાવ્યું કે રીઝર્વ બેંકને શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્રની મધ્યસ્થ સંસ્થાની રચનામાં સહાય કરતાં આનંદ થશે.”

આ સમારંભમાં  200થી વધુ શહેરી સહકારી બેંકોના 600થી વધુ પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા અને ‘Strengthening UCBs’  અને  ‘Let’s Grow Together under One Umbrella’ થીમ હેઠળ પેનલ ચર્ચા અને સેમિનારમાં National Umbrella, core banking solutions, banking technology જેવા વિષયો ઉપર વિગતવાર ચર્ચા થઈ હતી.સ્ટેટ ફેડરેશનના ઉપક્રમે મધ્યસ્થ સંસ્થાની રચના કરવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. આ મધ્યસ્થ  સંસ્થા છત્ર પૂરૂ પાડી સહકારી એકતાને મજબૂત કરશે. સ્વનિયંત્રિત સંસ્થા તરીકે તે બેંકોને મૂડી વધારવામાં, અસરકારક નિયમનમાં, સહકારી ભાવના મજબૂત કરવામાં  સહયોગ  આપશે.

ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક ફેડરેશનના ચેરમેન જ્યોતિન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે “સંસ્થાનું માળખુ ભારતની શહેરી સહકારી બેંકોને એક છત્ર નીચે લાવવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યું છે, જેથી તેમની સમસ્યાઓ ઉકેલવામાં સહાય થાય અને ટેકનોલોજીકલ સગવડો પૂરી પાડી શકાય. આ મધ્યસ્થ સંસ્થા ક્ષમતા નિર્માણ અને પ્રોડક્ટ વિતરણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશે. તેનું સભ્યપદ સ્વૈચ્છિક રહેશે.”

શહેરી સહકારી બેંકોના વર્ચસ્વ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે “ભારતમાં જાહેર ક્ષેત્રની બેંકોની એનપીએ 12 ટકા છે, જ્યારે નેશનલ શહેરી સહકારી બેંકોની એનપીએ 6 ટકા છે. ગુજરાતની શહેરી સહકારી બેંકોની એનપીએ 4 ટકા કરતાં પણ ઓછી છે. વધુમાં જાહેરક્ષેત્રની બેંકો સાથે તુલના કરીએ તો શહેરી સહકારી બેંકો ગ્રાહકો પાસેથી ઓછો ચાર્જ વસૂલ કરે છે. તે માઈક્રો અને મિની એસએમઈને ધિરાણો પૂરાં પાડે છે, જે જાહેર ક્ષેત્રની બેંકો પૂરાં પાડતી નથી.”

ગુજરાતમાં 220 શહેરી સહકારી બેંકોમાં 99 લાખ ડિપોઝીટરોએ વિશ્વાસ મૂકીને 50 હજાર કરોડની રકમો તેમાં મૂકી છે. આ બેંકો ગુજરાતના આર્થિક વિકાસમાં મોટાપાયે યોગદાન આપી રહી છે. ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક્સ ફેડરેશનની પેઈડઅપ કેપિટલ 1397 કરોડ છે અને વર્કિંગ કેપીટલ 61 હજાર કરોડથી વધુ છે. નાણાકીય વર્ષ 2017-18માં કુલ અનામતો  6000 કરોડ જેટલી છે.

સમારંભના બીજા દિવસે ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન શ્રી નીતિનભાઈ પટેલ માનવંતા મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે જે અન્ય મહાનુભવો હાજરી આપનાર છે તેમાં જીએસસીબીના ચેરમેન અજયભાઈ પટેલ, ભારત સરકારના કૃષિ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન  પુરૂષોત્તમ રૂપાલા અને કો-ઓપરેટિવ સોસાયટીઓના રજિસ્ટ્રાર નલીન ઉપાધ્યાય- આઈએએસનો સમાવેશ થાય છે.

આ વર્ષની સિદ્ધિઓની કદર કરીને ગુજરાતના સહકાર પ્રધાન  ઈશ્વરસિંહ પટેલ એવોર્ડ એનાયત કરશે. આ સમારંભમાં શહેરી વિકાસ બેંકોની સિદ્ધિઓ અંગે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ યુનિયનના ચેરમેનઘનશ્યામ અમીનની હાજરીમાં માહિતી આપવામાં આવશે.સહકાર ક્ષેત્રનો પ્રારંભ ગુજરાત અર્બન કો-ઓપરેટિવ બેંક ફેડરેશન દ્વારા વર્ષ 2010માં સભ્ય બેંકોને જાણકારી, માર્ગદર્શન અને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં બેંકીંગ ક્ષેત્રે જે નવી ગતિવિધિ, વ્યૂહાત્મક જોડાણો, એકીકરણ અને ટેકનોલોજી અપગ્રેડેશનની કામગીરી થઈ રહી છે તે અંગે સભ્ય સંસ્થાઓને સમગ્રલક્ષી સમજ અપાશે. આ પ્રકારની સંસ્થાનો પાયો નાંખવાનો વિચાર વર્ષ 2009માં શરૂ થયો હતો.

તાજેતરની માહિતી મુજબ રિઝર્વ બેંકે રાજ્ય સરકારના સ્તરે નૉન-ફંડ આધારિત મધ્યસ્થ સંસ્થા સ્થાપવા માટે મંજૂરી આપી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]