ગાંધીનગર: રાજ્યના ખેડૂતોનો બાગાયતી ખેતી તરફ રસ વધ્યો છે કારણ કે ફળ, શાકભાજી, મસાલા અને ફૂલ જેવા બાગાયતી પાકોની ખેતી વધુ ઉત્પાદન અને આવક આપે છે. છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન રાજ્યમાં બાગાયતી પાકોનું વાવેતર વધ્યું છે. વધતી જતી વસ્તીની સાથે બાગાયતી ઉત્પાદનોની માંગમાં પણ વધારો થયો છે. બાગાયતી ઉત્પાદનોની માંગને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા બાગાયતી પાકોના વાવેતર વિસ્તારમાં વધારો કરવા અનેકવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.
રાજ્ય સરકારે બાગાયતી પાકના વાવેતર અને બાગાયતી ખેતીમાં આધુનિક પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, બાગાયતી ખેતીમાં સફળતા માટે અદ્યતન પદ્ધતિ, તકનીકો અને ઉત્પાદન કૌશલ્યની ખાસ જરરૂરિયાત રહે છે. રાજ્યના ખેડૂતોને બાગાયતી ખેતીની અદ્યતન પદ્ધતિઓ અંગે તાલીમબદ્ધ કરવા તેમજ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા રાજ્ય સરકારે ગાંધીનગર, અમરેલી, બનાસકાંઠા અને દાહોદ જિલ્લામાં નવા સેન્ટર ઓફ એક્સેલેન્સ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. આ માટે રાજ્ય સરકાર આગામી ત્રણ વર્ષ માટે સેન્ટર દિઠ રૂ. ૧૦ કરોડ મળી કુલ રૂ. ૪૦ કરોડ રકમ ફાળવવામાં આવી છે.
આ સેન્ટર ઓફ એક્સેલેન્સ કાર્યરત થતા બાગાયતી પાકોની ખેતી કરતા ખેડૂતોને તેનો લાભ મળશે સાથે જ અન્ય ખેડૂતોને પણ બાગાયતી ખેતી કરવાની પ્રેરણા અને માર્ગદર્શન મળશે. આમ, રાજ્યમાં બાગાયત ખાતા દ્વારા કુલ ૧૭ સેન્ટર ઓફ એક્સેલેન્સ કાર્યરત થશે. નવા સેન્ટર ઓફ એક્સેલેન્સને વધુ આધુનિક બનાવવામાં આવશે. આ કેન્દ્રો ખાતે શાકભાજી, ફળ અને મસાલા પાકોના ટેકનોલોજી આધારિત નિદર્શન, આધુનિક નર્સરી, પાક કૌતુકાલય, રક્ષિત ખેતીના નિદર્શનો, ટ્રેનીંગ કેન્દ્ર, સૂક્ષ્મ સિંચાઇ પદ્ધતિ, વોટર હાર્વેસ્ટ સ્ટ્રક્ચર, સંકલિત પેક હાઉસ અને સંગ્રહ વ્યવસ્થા જેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે
