ગુજરાત ચૂંટણીઃ એક્ઝિટ પોલ્સ અનુસાર ફરી ભાજપનો જ જયજયકાર

અમદાવાદઃ ગુજરાતમાં નવી વિધાનસભાની ચૂંટણી માટે આજે બીજા અને આખરી તબક્કાનું મતદાન સાંજે પાંચ વાગ્યે પૂર્ણ થતાં મતદાન પ્રક્રિયા સુપેરે સમાપ્ત થઈ છે એ સાથે જ વિવિધ ટીવી ચેનલો દ્વારા એક્ઝિટ પોલ્સ દ્વારા ચૂંટણી પરિણામ વિશે આગાહી કરવામાં આવી છે. વિવિધ ચેનલો દ્વારા મતદાન સમાપ્તિ બાદ તરત જ સર્વેક્ષણ હાથ ધરાયું હતું અને તેના આધારે એમણે પોતપોતાના એક્ઝિટ પોલ્સના અનુમાન જાહેર કર્યા છે. તમામ એક્ઝિટ પોલ્સના તારણ અનુસાર, બહુમતી મતદારોએ ફરી ‘ભરોસાની ભાજપ સરકાર’ને જ પસંદ કરી છે. ભાજપ સરેરાશ 135 બેઠક સાથે પોતાની સત્તા જાળવી રાખશે. કોંગ્રેસને 36 અને AAPને 9 સીટ મળી શકે છે. આમ, ભાજપ સતત સાતમી વાર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વતન રાજ્યમાં પોતાનું શાસન જાળવી રાખશે એવું અનુમાન છે.

આજના તબક્કામાં મધ્ય અને ઉત્તર ગુજરાતના 14 જિલ્લાઓની 93 સીટ માટે મતદાન થયું છે. આ માટે 833 ઉમેદવારો ચૂંટણીજંગમાં ઉતર્યાં છે. આજના તબક્કામાં મતદાનની ટકાવારી પ્રાથમિક અહેવાલો અનુસાર, 59.11 ટકા હતી. 1 ડિસેમ્બરે, પહેલા તબક્કામાં 89 બેઠકો માટે 63.31 ટકા મતદાન થયું હતું. મતગણતરી અને પરિણામની જાહેરાત 8 ડિસેમ્બરે કરાશે. 2017ની ચૂંટણીમાં કુલ 68.41 ટકા મતદાન થયું હતું. 182 બેઠકોવાળી વિધાનસભામાં સરકાર રચવા માટે કોઈ પણ પક્ષ કે પક્ષોના જોડાણે ઓછામાં ઓછી 92 સીટ જીતવી પડે. ગુજરાતમાં 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. કોંગ્રેસ પાર્ટી તેની મુખ્ય હરીફ છે. પરંતુ આ વખતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ પણ ભાજપને પડકાર ફેંક્યો છે. AAP અને કોંગ્રેસ પણ એકબીજાની હરીફ પાર્ટી છે તેથી રાજ્યમાં આ વખતે ત્રિકોણીયો જંગ ખેલાઈ રહ્યો છે.

વિવિધ ન્યૂઝ ચેનલ્સના એક્ઝિટ પોલ્સનું અનુમાનઃ

ઝી ન્યૂઝ-BARC: ભાજપને 110-125 સીટ મળી શકે છે, કોંગ્રેસને 45-60, આમ આદમી પાર્ટીને 1-5 તથા અન્યોને 4 સીટ મળી શકે છે.

એબીપી ન્યૂઝ-C વોટર: ભાજપને 128-140, કોંગ્રેસને 31-43, આમ આદમી પાર્ટીને 3-11 તથા અન્યોને 2-6 સીટ મળી શકે છે.

ઈન્ડિયા ટુડે-એક્સિસ માઈ ઈન્ડિયા: ભાજપને 129-151, કોંગ્રેસને 16-30, AAPને 9-21 અન્યોને 2-6 બેઠક મળવાની સંભાવના.

ન્યૂઝ એક્સ-જન કી બાતઃ ભાજપને 117-140 સીટ મળી શકે છે, કોંગ્રેસ-એનસીપીને 34-51, AAPને 6-13, અન્યોને 1-2.

ટાઈમ્સ નાઉ નવભારત ETG: ભાજપ 139, કોંગ્રેસને 30, AAP 11, અન્યોને 2 બેઠક મળવાની સંભાવના.

ટીવી 9 ભારતવર્ષઃ આ ચેનલના સર્વેક્ષણમાં ભાજપની સંપૂર્ણ બહુમતી સાથે જીતની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભાજપને 125-130 સીટ મળશે. જ્યારે કોંગ્રેસને ફાળે 40-50, આપને 3-5 તથા અન્યોને 3-7 બેઠક મળી શકે છે.

રીપબ્લિક-P MARQ: ભાજપને 128-148 બેઠક મળશે. કોંગ્રેસને ભાગે 30-42 બેઠક, આમ આદમી પાર્ટીને 2-10 બેઠક તથા અન્યોને ફાળે ત્રણેક બેઠક આવશે.

એક્ઝિટ પોલ્સ શું છે?

મતદાન પૂરું થઈ ગયા બાદ કોઈ ટીવી ન્યૂઝ ચેનલના એક્ઝિટ પોલ દ્વારા મતદારોને પૂછવામાં આવે છે કે તમારા મતે મતદારો કયા રાજકીય પક્ષને ટેકો આપી રહ્યા છે? લોકોના મંતવ્ય બાદ એક્ઝિટ પોલ્સ એક સંકેત આપે છે કે ચૂંટણીમાં પવન કઈ તરફ ફૂંકાઈ રહ્યો છે.