ગાંધીનગરઃ રાજનીતિના ભીષ્મ પિતામહ કેશુબાપાના પાર્થિવ દેહને રાજકીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ અને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રવીણ તોગડિયા સહિત અનેક દિગ્ગજ નેતાઓ સહિત પ્રધાનમંડળના સભ્યો આગેવાનો, કાર્યકરોએ અંતિમ દર્શન કર્યા બાદ બાપાના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી સંપૂર્ણ રાજકીય સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. કેશુભાઈને ગાર્ડ ઓફ ઓનર આપી રાજકીય સમ્માન સાથે વિદાય આપવામાં આવી હતી.
ભાજપે તમામ કાર્યક્રમ રદ કર્યા
કેશુભાઈ પટેલના નિધનને લઈ આજે રાજ્યમાં એક દિવસનો રાજકીય શોક પાળવામાં આવ્યો હતો. જેને કારણે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો. ભાજપે તમામ કાર્યક્રમ રદ કર્યા છે.
વિસાવદરના લોકોમાં શોકની લાગણી
રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુબાપાનું આજે નિધન થતાં વિસાવદરના લોકોમાં શોકની લાગણી જોવા મળી હતી. વિસાવદર બેઠક સુરક્ષિત જણાતાં કેશુબાપા આ બેઠક પર સૌથી વધુ વખત ચૂંટણી લડ્યા છે અને જીત્યા પણ છે. આજે કેશુબાપાના નિધનથી વિસાવદરમાં કેટલાક વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. કેશુબાપા મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમના નામનું વિસાવદરમાં સૌપ્રથમ યાર્ડ બનાવવામાં આવ્યું હતું.. આવતી કાલે વિસાવદરના વેપારીઓ અને માર્કેટ યાર્ડ બંધ પાળી કેશુબાપાને શ્રદ્ધાંજલિ પાઠવશે. આ સાથે સોમનાથમાં પણ સ્વયંભૂ બંધ રાખવામાં આવશે. કેશુબાપા સાથે રહેલા વિસાવદર નગરપાલિકાના સદસ્ય વિશાલ માંગરોળિયાએ જણાવ્યું હતું કે રોણકી ગામમાં કાળિયા નામના ગુંડાને પડકારી ખોખરા કરતાં બાપાએ લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું.
ગોકુળિયું ગામ અને કુંવરબહેનનું મામેરુ યોજના કેશુબાપાની
કેશુબાપા સાથે છ વર્ષ સુધી રહેનાર વિસાવદર પાલિકાના ભૂતપૂર્વપ્રમુખ બાબુભાઈ મૂળજીભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે આજે કેશુબાપાના નિધનથી ભાજપમાં મોટી ખોટ પડી છે. બાપા પહેલા ટંકારાથી લડતા હતા ત્યારે વિસાવદરમાં બધી જ જ્ઞાતિ અંગે કેશુબાપાને અમે અમદાવાદ જઈને રજૂઆત કરી કે બાપા તમે વિસાવદરથી લડો. ત્યાર બાદ બાપાએ હા પાડી હતી. એ પછી તેઓ ચૂંટણી લડ્યા અને ચૂંટાયા હતા. મુખ્ય પ્રધાન બન્યા પછી પણ બાપાની સાદાઈ આજ સુધી કોઈ રાજકારણીમાં જોવા મળી નથી. ગુજરાતમાં કોઈ મુખ્ય પ્રધાને રાજીનામું આપ્યું હોય તો તે કેશુબાપા હતા. ગોકુળિયું ગામ અને કુંવરબહેનનું મામેરુ યોજના કેશુબાપા લાવ્યા હતા.