શિક્ષણ બોર્ડે ધોરણ 10 પરિણામની તારીખ જાહેર કરી

અમદાવાદ- રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પરિણામની તારીખ સત્તાવાર ધોરણે જાહેર કરવામાં આવી છે. શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2018માં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઇટ પર તારીખ 28મી મે સોમવારના રોજ સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે.રાજ્યભરમાંથી આ વર્ષે ધોરણ 10ની પરીક્ષામાં 11 લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ  નોંધાયાં હતાં.

આ વર્ષે લેવાયેલી પરીક્ષામાં ગણિતનું પેપર ખૂબ જ અઘરું અને ધોરણ 10ના વિદ્યાર્થીઓની કક્ષા બહારનું પૂછાયું હોવાનો કકળાટ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપરાંત શિક્ષકોએ પણ કર્યો હતો. જેની અસર રુપે તૈયાર થયેલું પરિણામ 50 ટકાથી પણ નીચું હોવાની બિનસત્તાવાર વાતો ચર્ચાઇ છે. જેને લઇને ગણિતમાં 12થી 15 માર્ક જેટલું ગ્રેસિંગ આપી પરિણામ ઊંચું લાવવાની સંભાવના પણ જતાવાઇ હતી.

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં પણ આ વર્ષે અપાયેલું પરિણામ છેલ્લાં પાંચ વર્ષની તુલનામાં સૌથી ઓછુ હોવાને લઇને ભારે ઉહાપોહ વર્તાયો હતો ત્યારે ધોરણ 10નું પરિણામ પણ નીચું આવવાનું હોવાની વાતોને લઇને વિદ્યાર્થીવર્ગમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. હવે બોર્ડ દ્વારા સત્તાવાર તારીખ જાહેર થતાં સોમવારે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]