બચ્ચનપુત્રી શ્વેતા પણ અભિનયના ક્ષેત્રમાં; પિતા અમિતાભ સાથે પહેલી જ વાર જાહેરખબરમાં સાથે ચમકશે

મુંબઈ – બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનના પુત્રી શ્વેતા નંદા ટૂંક સમયમાં જ એક્ટિંગ કરતાં નજરે પડશે. તેઓ પહેલી જ વાર એક્ટિંગ કરશે. જોકે એ કોઈ બોલીવૂડની ફિલ્મમાં કામ કરવાનાં નથી, પણ એમના પિતા અમિતાભની સાથે કલ્યાણ જ્વેલર્સની એક ટીવી જાહેરખબરમાં જોવા મળશે. આ જાહેરખબર આવતા જુલાઈમાં પ્રસારિત થશે.

આ એડનું શૂટિંગ હાલમાં જ કરવામાં આવ્યું હતું અને એની તસવીરો હવે બહાર આવી છે. એડમાં પિતા અને પુત્રીની તથા નૈતિક મૂલ્યોની વાર્તા છે.

તસવીરમાં, શ્વેતા એમનાં ઘરડા પિતાને ચાલવામાં મદદ કરતી દેખાય છે. શ્વેતા પરંપરાગત ભારતીય ડ્રેસમાં સજ્જ થયાં છે.

અમિતાભ 2012ની સાલથી કલ્યાણ જ્વેલર્સના બ્રાન્ડ એમ્બેસેડર રહ્યા છે.

આ જાહેરખબરના શૂટિંગમાં એમના પુત્રી શ્વેતા બચ્ચન-નંદાને એક ઓટોરીક્ષામાં સફર કરતા બતાવવામાં આવ્યા છે.

અમિતાભે આ વિશે એમના બ્લોગમાં લખ્યું છે કે, મેં આજે કામ પર જવા માટે પ્રવાસના સૌથી આસાન અને સસ્તા માધ્યમ ઓટોરીક્ષામાં જવાનું પસંદ કર્યું હતું. તમે પણ તમારી જરૂર વખતે એ પકડતા જ હશો.

રીક્ષા શબ્દ ભારતમાં ક્યાંથી ઉદભવ્યો એ કોઈ જાણતું નથી. કેટલાકનું કહેવું છે કે રીક્ષા વાહનની શોધ જાપાન, બ્રિટન, અમેરિકાએ કરી હતી.

માહિતીનો જીવતો જાગતો ખજાનો તરીકે ઓળખાતા ગૂગલલોઈડનો દાવો છે કે રીક્ષા શબ્દ જાપાનીઝ શબ્દ ‘જિનરીકીશા’માંથી આવ્યો છે.

અમિતાભે ઓટોરીક્ષામાં પોતાની અને સાથે એમની પુત્રી શ્વેતાની અમુક તસવીરો પણ બ્લોગમાં શેર કરી છે.

અમિતાભ રૂપેરી પડદા પર હવે ‘ઠગ્સ ઓફ હિન્દોસ્તાન’ ફિલ્મમાં જોવા મળશે. એ ફિલ્મમાં એમની સાથે આમિર ખાન, ફાતિમા સના શેખ અને કેટરિના કૈફની પણ ભૂમિકા છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]