ગાંધીનગરઃ ગુજરાતના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે પત્રકાર પરિષદ સંબોધીને ગુજરાતમાં કોરોના વાયરસ પર શું પરિસ્થિતિ છે તેના પર લેટેસ્ટ માહિતી આપી. આજે રાજ્યમાં કોરોના વાયરસના 4 નવા પોઝિટિવ કેસ આવ્યાં. નવા ચારેય કેસ લોકલ છે. જ્યારે બેના મોત થયા છે. જેના કારણે રાજ્યમાં કોરોના વાયરસના કેસનો આંકડો 179 પર પહોંચ્યો. 24 કલાકમાં કુલ 932 ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જે બે મોત નોંધાયા છે તેમાં એક જામનગરમાં 14 માસના બાળકનું મોત થયું જ્યારે બીજુ મોત સુરતમાં 65 વર્ષના પુરુષનું નોંધાયું છે. 24 કલાકમાં જે 932 કેસ કરવામાં આવ્યાં તેમાંથી 14 કેસ પોઝિટિવ આવ્યાં છે. જ્યારે 687 કેસ નેગેટિવ છે અને 281 પેન્ડિંગ છે.
કોરોના વાયરસના પોઝિટિવ કેસ જે નોંધાયા છે તેમાં અમદાવાદના 83 કેસ છે. જયારે 5 મોત થયા છે. સુરતના 23 પોઝિટિવ કેસ છે અને 4 લોકોના મોત થયા છે. વડોદરામાં 13 કેસ જ્યારે 2 લોકોના મોત થયા છે. ગાંધીનગરમાં 13 કેસ, રાજકોટમાં 11, ભાવનગરમાં 16 કેસ જેમાં 2 લોકોના મોત થયા છે, પંચમહાલમાં 1 કેસ અને દર્દીનું મોત થયેલ છે. પાટણમાં 5 કેસ નોંધાયા છે અને એક વ્યક્તિનું તેમાંથી મોત નિપજ્યું છે. જામનગરમાં એક કેસ નોંધાયો અને વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. પોરબંદરમાં 3 કેસ, મહેસાણામાં 2, છોટાઉદેપુરમાં એક કેસ, કચ્છમાં 2, મોરબીમાં 1, ગીર સોમનાથમાં 2, સાબરકાંઠામાં એક અને આણંદમાં એક કેસ નોંધાયો છે.
ગુજરાતમાં કોરોના વાયરસના કારણે કુલ 16 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જેમાં અમદાવાદમાં 5, સુરતમાં 4, ભાવનગરમાં 2, પંચમહાલ અને પાટણમાં તથા જામનગરમાં એક-એક મોત સામેલ છે. વડોદરામાં 2 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યાં છે.
જયંતિ રવિએ જણાવ્યું કે કોરોના વાયરસને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર પાસે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે. બે સપ્તાહ પહેલા જ પૂરતા પ્રમાણમાં દવાની ખરીદી કરી લેવાઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં રાઉન્ડ ટુ સર્વેલન્સનો પ્રારંભ ગઈકાલથી કરી દેવામાં આવ્યો છે.