હું ચૂંટણી નહીં લડું: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની જાહેરાત

અમદાવાદ – ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા આડે હવે માત્ર બે જ દિવસ બાકી રહી ગયા છે ત્યારે રાજ્યના બે મુખ્ય પક્ષ – શાસક ભારતીય જનતા પાર્ટી અને વિરોધ પક્ષ કોંગ્રેસમાં નેતાઓમાં ભારે ખેંચતાણ અને અસંતોષ જોવા મળી રહ્યો છે.

કોંગ્રેસના રાજ્ય એકમના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ સંકેત આપ્યો છે કે પોતે આ વખતે ચૂંટણી લડવાના નથી.

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સોલંકી કહ્યું છે કે રાજ્યમાં તમામ ૧૮૨ બેઠકો પર પક્ષના દેખાવ માટેની જવાબદારી રાજ્ય કોંગ્રેસ પ્રમુખ તરીકે મારી બને છે. પક્ષના વફાદાર સેવક તરીકે હું ચૂંટણીમાં કોંગ્રેસ વધુમાં વધુ બેઠકો જીતે એ માટે મદદ કરીશ.

સોલંકીએ જોકે એવા અહેવાલોને રદિયો આપ્યો છે કે પોતે ઉમેદવારોની પસંદગીના મામલે પક્ષના મોવડીમંડળથી નારાજ થયા છે.

શાસક ભાજપે કુલ ૧૮૨ બેઠકોમાંથી ૧૦૬ બેઠકો પર પોતાના ઉમેદવારોના નામ બે યાદી બહાર પાડીને જાહેર કરી દીધા છે.

ચૂંટણીના પહેલા તબક્કા (૯ ડિસેમ્બર) માટે ઉમેદવારી નોંધાવવાની મુદત ૨૧ નવેમ્બરે પૂરી થાય છે.

બીજા તબક્કા માટે ૧૪ ડિસેમ્બરે મતદાન થશે અને પરિણામની જાહેરાત ૧૮ ડિસેમ્બરે કરાશે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી છેલ્લા અમુક મહિનાઓમાં પાંચ વખત ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યા છે અને પાર્ટીનો જોરશોરથી પ્રચાર કરી ગયા છે.

ભરતસિંહ સોલંકી રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન માધવસિંહ સોલંકીના પુત્ર છે અને ત્રણ વખત વિધાનસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ બે વાર સંસદસભ્ય તરીકે પણ ચૂંટાઈ આવ્યા છે. તે મધ્ય ગુજરાતમાં વગદાર એવા ક્ષત્રિય સમાજમાંથી આવે છે.

પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાઓ અને ગુજરાત કોંગ્રેસના નેતાઓની આજે કોંગ્રેસી નેતા સિદ્ધાર્થ પટેલના નિવાસસ્થાને બેઠક મળી હતી.

એ બેઠક પૂરી થયા બાદ સોલંકીએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, PAASના નેતાઓની સાથે અમારી ચર્ચા સકારાત્મક રહી છે, એમના મુદ્દાઓ સાથે અમે સહમત થયા છીએ. PAASના નેતાઓએ અમારી પાસે ચૂંટણી માટે ટિકિટો માગી નથી.

સોલંકીએ એમ પણ કહ્યું કે, ગુજરાત ચૂંટણી માટે કોંગ્રેસે હાર્દિક પટેલની ટીમ સાથે સમજૂતી કરી છે, કાલે હાર્દિક સંપૂર્ણ ફોર્મ્યૂલાની રાજકોટમાં જાહેરાત કરશે.

httpss://twitter.com/BharatSolankee/status/932237025066881024