રાજકોટમાં ધામધૂમથી સીએમ વિજય રુપાણી સહિત 4 ઉમેદવાર ફોર્મ ભરશે

અમદાવાદ- આગામી વિધાનસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરાવાના શરુ થયાં છે. તેમાં ભાજપના ઉમેદવાર મુખ્યપ્રધાન વિજય રુપાણીના નેતૃત્વમાં રાજકોટના ચારેય ઉમેદવારો સોમવારે નામાંકન ભરશે જેમાં ગુજરાત ચૂંટણી ઇન્ચાર્જ અને કેન્દ્રીય નાણાંપ્રધાન અરુણ જેટલીની ઉપસ્થિત રહેશે.

ગુજરાતની આગામી ચૂંટણી માટે રાજકોટની ૪ બેઠક માટેના ભાજપના ઉમેદવારો રૂપાણીના નેતૃત્વમાં સોમવારે વિજય મૂર્હૂતમાં નામાંકન ભરશે. આ ચાર બેઠકો પૈકી રાજકોટ પશ્ચિમ બેઠક માટે વિજયભાઈ પોતે નામાંકન પત્ર ભરવાના હોઈ સમગ્ર કાર્યક્રમનો માહોલ વિજયોત્સવ જેવો યોજાશે.

સોમવારે સવારે ૧૦.૩૦ કલાક થી બહુમાળી ભવન પાસેની સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી, ગુજરાતના વિકાસ માટે સરદાર સાહેબના આશિષ મેળવી મુખ્યંમંત્રી સહિતના નામાંકન પત્ર ભરવા સરઘસ આકારે રવાના થશે. આ પહેલાં સરદાર સાહેબની પ્રતિમા પાસે એકત્ર થયેલા જનસમુદાયને સંબોધન પણ કરવામાં આવશે અને વિવિધ કાર્યક્રમ પણ યોજાશે.
નાસિકનું ખાસ બેન્ડ પણ મંગાવવામાં આવ્યું છે. ૬૦ થી ૭૦ કલાકારોની આ બેન્ડની ટીમ રાજકોટની જનતાનું કર્ણપ્રિય મનોરંજન કરશે. આ ઉપરાંત લાઈવ ઓરકેસ્ટ્રાનું વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. કાર્યક્રમના સ્થળે સરદાર સાહેબની પ્રતિમાના આસપાસના વિસ્તારને નયનરમ્ય શણગાર પણ કરવામાં આવશે. કાયમ માટે તરણેતરના કલાકારો અને તેમની ભાતીગળ છત્રી સૌરાષ્ટ્રના કલા પ્રેમી પ્રજાજનો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે ત્યારે તરણેતરના આ કલાકારો મુખ્યમંત્રી સહિત ચારેય ઉમેદવારોના ઉમેદવારી પત્ર ભરાવવા સમયે પોતાના પરંપરાગત વેશભૂષા અને ભાતીગળ છત્રી સાથે ઉપસ્થિત રહેવાના છે. વિવિધ ગરબી મંડળ, ગણપતિ મહોત્સવના મંડળો પણ આ તકે ઉપસ્થિત રહેશે.

અનેક ધાર્મિક સંસ્થાના ગુરુઓ, ધર્મ-ગુરુઓ, સંતો-મહંતો, પણ ભાજપના ચારેય ઉમેદવારોને “વિજય શ્રી” ના આષિશ પાઠવશે  કેન્દ્ર સહિત દેશના ૧૮ રાજ્યોમાં આજે ભાજપ સત્તાસ્થાને છે તેની બૂનિયાદમાં જેમનો સતત અને અથક્ય પરિશ્રમ રેડાયેલો છે એવા જૂના જનસંઘના વડિલો, મુરબ્બીઓ સન્માન પૂર્વક આ કાર્યક્રમમાં સામેલ થઈ શકે તે માટે અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. કોંગ્રેસની સત્તા લાલસાને કારણે દેશ પર આવી પડેલી કટોકટીની અસહ્ય યાતનાઓ વેઠીને પણ દેશમાં લોકશાહી જીવંત રાખવા અથક્ય પ્રયાસ કરનારા “મિસાવાસી”ઓ માટે અલાયદી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે.