જ્યારે ખુદ મુખ્યમંત્રીએ કહ્યું કે, સારવાર માટે ખર્ચની ચિંતા ન કરતા…

અમદાવાદ: આણંદના પંડોળી ગામના આઠ વર્ષના હિતેન સોલંકીને અકસ્માતે માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. કૃષ્ણા હોસ્પિટલ કરમસદમાં સારવાર હેઠળ આ ગરીબ બાળકની સારવારનો મોટો ખર્ચ તેનો દરિદ્ર પરિવાર ઉઠાવી શકે તેમ ન હતો.માસૂમ જીંદગીનો સવાલ હતો.

એવા સમયે સારવારના ખર્ચ માટે મદદની સોશીયલ મીડિયામાં અપીલ  કરવામાં આવી અને રવિવારે સવારે મુખ્યમંત્રી નો ફોન આવ્યો ખર્ચની ચિંતા ન કરશો હિતેન ની સારામાં સારી સારવાર કરાવો. ગરીબ પરિવાર જનોની આંખો અશ્રુ ભીની થઈ સાથે પેટલાદ તાલુકાના પંડોળી ગામના દિનેશ ભાઈ સોલંકી ન પુત્ર હિતેન ને હવે એજ હોસ્પિટલમાં સારામાં સારી સારવાર મળશે અને તેને નવજીવન મળશે એવો આશાવાદ સૌ વ્યક્ત કરી રહ્યા છે.

પંડોળી ગામે પણ પોતાના ગામના દીકરાની સારવાર માટે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લેવામાં આવેલી કાળજીની વાત સાંભળીને ગ્રામજનો પણ લાગણી સભર બન્યા હતા.

મુખ્યમંત્રીએ રવિવારે સવારે અચાનકજ કૃષ્ણા હોસ્પિટલમાં  ટેલિફોન કરીને  હોસ્પિટલના સંચાલક સંદિપ દેસાઈ સાથે ગરીબ પરિવારના દીકરા હિતેન સોલંકી સારવાર અંગેની વિગતો મેળવી હતી. વિજય રૂપાણીએ  કૃષ્ણા હોસ્પિટલ કરમસદના સી.ઇ.ઓ. ને દીકરા હિતેનને જરૂરી તમામ સારવાર આપવા અને સારામાં સારી સારવાર આપવા કહ્યું હતું. અને જલ્દી સ્વસ્થ થાય તે માટે ના તમામ પ્રયાસો કરવા પણ અનુરોધ સાથે સમગ્ર સારવારનો ખર્ચ રાજ્ય સરકાર તરફથી કરાશે તેમ પણ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીની લાગણી જોઈને ગરીબ પરિવારને મોટી હૂફ મળી હતી અને હોસ્પિટલમાં તબીબો અને સેવાકર્મીઓમાં પણ ઉત્સાહ વધ્યો હતો. જ્યારે દીકરા ના પિતા અને માતા ને હોસ્પિટલમાં ખબર પડી કે પોતાના દીકરાની સારવાર માટે અને સારવાર તમામ ખર્ચ સરકાર તરફથી થશે અને આ માટે રાજ્યના મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી દ્વારા હોસ્પિટલના સંચાલકોને ફોન પણ કરાયો ત્યારે પરિવાર જનો બે હાથ જોડી અશ્રુ ભીની આંખે ભાવ પ્રગટ કર્યો હતો.તેઓ પાસે શબ્દ ન હતા.

મુખ્યમંત્રી ના હોસ્પિટલ ઉપરના ફોન બાદ કલેકટર દિલીપ રાણા એ પણ હોસ્પિટલ સાથે વાત કરી હતી અને જિલ્લા આરોગ્ય અધિકારી ડો એમ. ટી.છારીને હોસ્પિટલ ખાતે મોકલીને હિતેન સોલંકીની સારવાર અને વ્યવસ્થા સંદર્ભે જરરૂરી કાળજી લેવા તાકીદ કરેલી.