ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ દરમિયાન લેવામાં આવશે. આ સિવાય ધોરણ-12 પછી લેવાથી ગુજકેટની પરીક્ષા બીજી એપ્રિલે લેવામાં આવશે. ધોરણ 10ની પરીક્ષાનો સમય સવારનો રહેશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરનો રહેશે.

પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવ્યો છે. આ પરીક્ષા નવી શિક્ષણ નીતિ મુજબ લેવામાં આવશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ દ્વારા અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર ધોરણ 10, સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તરી બુનયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત માધ્યમના ઉમેદવારોની માર્ચ પરીક્ષા 11/03/2024થી 26/03/2024 તારીખ દરમિયાન લેવાશે. આ પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર મૂકવામાં આવ્યો છે.

આ વખતે ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારવામાં આવ્યું છે. આ સાથે વર્ણનાત્મક પ્રશ્નોમાં પણ આંતરિક વિકલ્પને બદલે તમામ પ્રશ્નોમાં જનરલ વિકલ્પ અપાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના તમામ વિષયોની પુનઃપરીક્ષા જૂન-જુલાઈ માસમાં યોજાશે.

રાજ્યના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. કેન્દ્ર સરકારે જાહેર કરેલી નેશનલ એજ્યુકેશન પોલિસી ૨૦૨૦ અન્વયે આ નિર્ણયો મુખ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં કરવામાં આવ્યા હતા. ધોરણ 10મા નાપાસ વિદ્યાર્થીઓ ત્રણ વિષયની પૂરક પરીક્ષા આપી શકશે. અત્યાર સુધી નાપાસ વિદ્યાર્થી બે વિષયની પૂરક પરીક્ષા આપી શકાતા હતા. આ સાથે ધોરણ 12 સા.પ્રવાહના નાપાસ વિદ્યાર્થીઓ બે વિષયની પૂરક પરીક્ષા આપી શકશે.. આ નિયમનો શૈક્ષણિક વર્ષ 2023-24 માં અમલ થશે. એટલે આ વર્ષથી જ આ નીતિનો અમલ થઈ જશે.