મુખ્યમંત્રી કાર્યાલયની ઉચ્ચકક્ષાની ગુણવત્તાયુક્ત, સમયબદ્ધ અને પ્રજાલક્ષી સુચારૂ કામગીરીને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ પ્રમાણિત કરતાં આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે. વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી તરીકે રાજ્યની વહીવટી કાર્યસંસ્કૃતિમાં ગુણાત્મક પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા સાથે ગુણવત્તા અને કાર્યસિદ્ધિના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી કાર્યાલયને ૨૦૦૯માં ISO બેન્ચમાર્કની ક્વોલિટી ઉપર મૂક્યું હતું.
રાજ્ય શાસનના સર્વોચ્ચ કેન્દ્ર એવા મુખ્યમંત્રી કાર્યાલયને જાહેર સેવાઓના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અને સાતત્યપૂર્ણ સુધારાઓ સાથેના સમયબદ્ધ કાર્ય આયોજન માટે આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન પ્રથમવાર ૨૦૦૯માં એનાયત થયું હતું. PM નરેન્દ્ર મોદીએ પ્રસ્થાપિત કરેલી ગુડ ગવર્નન્સની આ સીમાચિહ્નરૂપ કામગીરીને ગુજરાતની પ્રશાસનિક વ્યવસ્થાએ સતત જાળવી રાખી છે. ૨૦૦૯ થી ૨૦૨૩ સુધી સળંગ પાંચ ત્રિવાર્ષિક ISO સર્ટિફિકેશન મેળવનારા દેશના એકમાત્ર રાજ્ય તરીકે ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયે આ વિશેષ ગૌરવસિદ્ધિ પ્રાપ્ત કરી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ‘સ્વાગત’ કાર્યક્રમ તથા ISO ઓડિટની પરંપરા પણ સફળતાપૂર્વક આગળ ધપી છે. આ સફળતાને પગલે મુખ્યમંત્રી કાર્યાલયને હાલ ૨૦૨૪ થી ૨૦૨૬ સુધીના સમયગાળા માટેની છઠ્ઠી સાયકલ માટે આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન એનાયત કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ ISO સર્ટિફિકેશન ટેક્નોક્રેટ કન્સલ્ટન્ટના ડિરેક્ટર ભાવિન વોરા તથા સર્ટિફાઇંગ એજન્સી-બ્યુરો વેરિટાસના અધિકારીઓ દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન મુખ્યમંત્રી કાર્યાલયને સુનિશ્ચિત માપદંડ સાથે કાર્યસિદ્ધિ, ક્ષમતા અને અસરકારકતા તેમજ સમયબદ્ધતા દ્વારા આમ જનતાની અપેક્ષાની પૂર્તિને હાંસલ કરવા સતત પ્રતિબદ્ધ રાખશે એવો વિશ્વાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો. રાજ્યના વહીવટી પ્રશાસન અંગેના વડાપ્રધાનના ચિંતન તેમજ ઉત્તમ જનસેવાના સંકલ્પને સાકાર કરવાના અવિરત પ્રયત્નોના ફળ સ્વરૂપે આ ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન CMOને મળ્યું છે તે માટે ટીમ CMOને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા છે.