અમદાવાદઃ શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS) દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા દર્શાવવાનું પ્રતીક એવા વાર્ષિક કોલેજ ફેસ્ટિવલ બૌદ્ધિકા-2024નું બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું. બૌદ્ધિકા-2024માં કલાકારો, સંગીતકારો અને બૌદ્ધિકો વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જેમાં ફેશન શોથી લઈને મેનેજમેન્ટ સ્પર્ધાઓ, સાંસ્કૃતિક સર્જનાત્મકતાથી લઈને ટેક્નિકલ ક્વિઝ સુધીની 16 ઈવેન્ટ્સ રાખવામાં આવી હતી.
પ્રથમ દિવસની બિઝનેસ ઇવેન્ટ્સમાં વ્યાપાર પહેલી (વ્યાપાર ક્વિઝ) અને સંપત્તિ (ફાઇનાન્સિયલ પ્લાનિંગ)નો સમાવેશ કરવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક અને સર્જનાત્મક કાર્યક્રમો સરગમ (ગાયન) અને નચલે (નૃત્ય) હતાં. ફન ઇવેન્ટ્સમાં ઉસ્તાદ-એ-ઝાયકા (ખાદ્ય વસ્તુઓ બનાવવી અને વેચવી), હાસ્ય વ્યંગ (મીમ્સ/રીલ્સ સ્પર્ધા) અને મંથન (મેનેજમેન્ટ ગેમ્સ)નો સમાવિષ્ટ કરવામાં આવ્યો હતો. તમામ ઇવેન્ટ્સમાં સ્ટાર્સ પાર્ટનરશિપ જોવા મળી હતી. વિદ્યાર્થીઓની મૌલિકતા અને આત્મવિશ્વાસ પ્રશંસનીય હતો.
પ્રથમ દિવસની ઉજવણીનો પ્રારંભ ઉદઘાટન સમારોહ સાથે થયો હતો, જેમાં SBS નાં નિયામક ડો. નેહા શર્મા, અને અન્ય આદરણીય મહેમાનો હાજર રહ્યા હતા. ડો. નેહા શર્માએ બૌદ્ધિકા-2024ને વાઇબ્રન્ટ ઇવેન્ટ બનાવવા માટે SBSના તમામ વિદ્યાર્થીઓ અને સંસ્થાના કર્મચારીઓનો આભાર માન્યો હતો.
બીજા દિવસે આગાઝ (બિઝનેસ પ્લાન પ્રેઝન્ટેશન) અને નિવેશ (સ્ટોક માઇન્ડ) જેવી બિઝનેસ ઇવેન્ટ્સ જોવા મળી હતી. સાંસ્કૃતિક અને સર્જનાત્મક કાર્યક્રમો જેમ કે ખુલા દરબાર, છબિ (ફેસ પેઈન્ટિંગ), અભિવ્યક્તિ (પોસ્ટર પ્રેઝન્ટેશન) અને રંગ દે (ફેસ પેઈન્ટિંગ), વો પુરાને દિન (જૂની પરંપરાગત રમતો), અને તલાશ (ટ્રેઝર હન્ટ) જેવી મનોરંજક ઈવેન્ટસ આયોજિત કરવામાં આવી હતી. સ્ટેજ ઇવેન્ટ જલવા – ફેશન શો જ્યાં વિદ્યાર્થીઓએ વિવિધ થીમ સાથે ફેશન ટ્રેન્ડનું પ્રદર્શન કર્યું હતું.
બૌદ્ધિકા-2024ની આ વર્ષની થીમ, “અપને લિયે અપનો કે લિયે” રાખવામાં આવી હતી, જે અંતર્ગત શાંતિ બિઝનેસ સ્કૂલના વિદ્યાર્થીઓએ ફંડ એકત્ર કરી સામાજિક જવાબદારીના ભાગરૂપે તે ફંડ દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થા “અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર”, અને ગુજરાતભરના ગરીબ પરિવારમાંથી આવતાં બાળકોને મફત શિક્ષણ આપતા વિસામો કિડસ ફાઉન્ડેશનને આપી હતી. આ પ્રસંગે SBSના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓએ આ બંન્ને સંસ્થાનાં બાળકો સાથે આનંદપૂર્વક સમય પસાર કરી તેમની સાથે ભોજન લીધું હતું.