નૃત્ય, સંગીત, નાટકના આકર્ષક પરફોર્મન્સ સાથે સુરતમાં ‘અભિવ્યક્તિ’નું પુનરાગમન

સુરત: અભિવ્યક્તિ – ધ સિટી આર્ટસ પ્રોજેક્ટ – ટોરેન્ટ ગ્રુપના મહેતા પરિવાર સંચાલિત UNM ફાઉન્ડેશનની એક આગવી પહેલ છે. જે ઉભરતા કલાકારોના માધ્યમથી કલાના વિવિધ સ્વરૂપોને પ્રોત્સાહન આપવા અને તેને દર્શકો સમક્ષ રજૂ કરવાનો સુંદર પ્રયત્ન કરી રહ્યું છે. અમદાવાદમાં પાંચ આવૃત્તિ, વડોદરામાં બે અને સુરતમાં એક આવૃત્તિ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હવે અભિવ્યક્તિ આગામી 6 અને 7 એપ્રિલના રોજ સુરતમાં બીજી  આવૃત્તિનું આયોજન કરેલ છે. “એવરી સ્ટોરી મેટર્સ”ની થીમ સાથે અભિવ્યક્તિ-સુરતનું બે દિવસીય ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવેલ છે. આ ફેસ્ટિવલમાં નવેમ્બર-ડિસેમ્બર 2023 દરમિયાન અભિવ્યક્તિની અમદાવાદ ખાતે યોજાયેલ પાંચમી આવૃત્તિ દરમિયાન ભજવાયેલાં અને વખણાયેલ પ્રદર્શનો રજૂ કરવામાં આવશે.ફેસ્ટિવલના પ્રથમ દિવસે 6 એપ્રિલના રોજ વૈશાલી ગોહિલની સંગીતમય રજૂઆત “સપ્તપદીની ફટાણાબાજી” રજૂ કરવામાં આવશે. સાથે જ બીજી રજૂઆતમાં શ્રદ્ધા, પંખી અને પરી બ્રહ્મભટ્ટની ત્રિપુટી દ્વારા “હસલી” નામનું નૃત્ય રજૂ કરવામાં આવશે. બીજા દિવસે, એટલે કે 7 એપ્રિલના રોજ સુમંત-આલાપની જોડી દ્વારા “અદ્વૈતમ” ટાઈટલ વાળું સંગીતમય પ્રદર્શન રજૂ કરવામાં આવશે. ત્યારબાદ રવિ ઉઘરેજીયા દ્વારા “બાપુજીની છેલ્લી ઈચ્છા” નાટ્ય પ્રદર્શન રજૂ કરવામાં આવશે.તમામ પ્રદર્શન SCET એમ્ફીથિયેટર, સાર્વજનિક યુનિવર્સિટી કેમ્પસ, સુરત ખાતે યોજાશે અને તમામ લોકો માટે પ્રવેશ ખુલ્લો રહેશે. ફેસ્ટિવલમાં પ્રેક્ષકોની એન્ટ્રી વહેલા તે પહેલાના ધોરણે તમામ લોકો માટે નિઃશુલ્ક રહેશે.પ્રત્યેક પરફોર્મન્સ જાણીતા આર્ટ ક્યૂરેટર્સ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યા છે, જેમાં સંગીત માટે ભાર્ગવ પુરોહિત, નાટક માટે ચિરાગ મોદી અને નૃત્ય માટે જૈમિલ જોષી અને સહાયક ક્યુરેટર તરીકે કથંકી રાવલ શેઠનો સમાવેશ થાય છે. કળા ક્ષેત્રના જાણીતા મેન્ટર્સ જેવાં કે દક્ષા શેઠ (નૃત્ય), રજત ધોળકિયા (સંગીત) અને સૌમ્ય જોશી (નાટક)નું માર્ગદર્શન આ પ્રત્યેક પર્ફોર્મન્સીસને પ્રાપ્ત થયું છે.‘અભિવ્યક્તિ – ધ સિટી આર્ટ્સ પ્રોજેક્ટ’નો પ્રારંભ વર્ષ 2018 માં અમદાવાદથી થયો હતો. UNM ફાઉન્ડેશનની પહેલ એવા આ પ્રોજેક્ટમાં અત્યાર સુધી દેશભરમાંથી 330 થી વધુ કલાકારો પોતાની ભાગીદારી નોંધાવી ચુક્યા છે.