આવતીકાલે GPSC ક્લાસ 1-2ની પરીક્ષા યોજાશે

ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા આયોજિત ક્લાસ 1 અને 2ની પ્રિલિમિનરી પરીક્ષા રવિવાર, 20 એપ્રિલ, 2025ના રોજ રાજ્યના 21 જિલ્લામાં યોજાશે. આ પરીક્ષામાં 97,000થી વધુ ઉમેદવારો ભાગ લેશે, જે ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1, વર્ગ-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની કુલ 244 જગ્યા માટે યોજાશે. પરીક્ષા બપોરે 12:00થી 3:00 વાગ્યા દરમિયાન રાજ્યના 405 પરીક્ષા કેન્દ્રો પર લેવામાં આવશે.

GPSCના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું કે, પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોને પોણા બે કલાક અગાઉ પ્રવેશ આપવામાં આવશે. દરેક કેન્દ્ર પર સીસીટીવી કેમેરા દ્વારા સઘન દેખરેખ રાખવામાં આવશે. ઉમેદવારોની હાજરી નોંધ્યા બાદ ઉત્તરવહીનું પેકિંગ કરવામાં આવશે, અને તેમની સહી લીધા બાદ જ તેમને બહાર જવાની મંજૂરી મળશે. દિવ્યાંગ ઉમેદવારો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે, અને તેમના સામાનની સુરક્ષા માટે પણ વ્યવસ્થા ગોઠવાઈ છે. ગત ગુરુવારે જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજનની ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

વડોદરામાં 18 શાળાઓમાં પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે, જ્યાં 4,296 ઉમેદવારો પરીક્ષા આપશે. પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉત્તરવહી જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીએ મોકલવામાં આવશે. વડોદરા પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને પરીક્ષા કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં અનધિકૃત ભીડ ન થાય અને ઝેરોક્સ મશીન બંધ રાખવા આદેશ આપ્યો છે. 17 એપ્રિલ, 2025ના રોજ યોજાયેલી GPSCની મદદનીશ ઇજનેર (સિવિલ), વર્ગ-2ની પરીક્ષાની OMR શીટ ઉમેદવારો formonline.co.in પરથી ડાઉનલોડ કરી શકે છે. આ પરીક્ષા પારદર્શક અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે GPSC દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવ્યા છે.