રાજ્યમાં 10 લાખ લોકોને નોકરી, બેરોજગારી ભથ્થું: કેજરીવાલ

વેરાવળઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે એક મહિનામાં ચોથી વાર રાજ્યની મુલાકાત લીધી છે. સૌરાષ્ટ્રના વેરાવળમાં તેમણે એક જનસભાને સંબોધિત કરી હતી. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે હું ગુજરાતના લોકોને બીજી ગેરન્ટી આપીશ. તેમણે સભાને સંબોધતાં જણાવ્યું હતું કે  રાજ્યમાં પાંચ વર્ષમાં દરેક બેરોજગારને રોજગાર મળશે. જ્યાં સુધી યુવાનોને રોજગાર નહીં મળે ત્યાં સુધી દર મહિને રૂ. 3000નું બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. આ ઉપરાંત કેજરીવાલે મોટી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે રાજ્યમાં 10 લાખ લોકોને સરકારી નોકરી આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે પેપરલીક માટે આપની સરકાર અલગથી કાયદો બનાવશે. રાજ્યમાં ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી થવાની છે.

તેમણે કહ્યું હતું કે દિલ્હીમાં 12 લાખ લોકોને રોજગારી આપી છે અને ગુજરાતમાં દરેક બેરોજગારને રોજગારી આપીશું. તેમણે લઠ્ઠાકાંડનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સંબોધનની શરૂઆતમાં લઠ્ઠાકાંડમાં મોતને ભેટેલા 50થી વધુ લોકો માટે બે મિનિટનું મૌન પાળ્યું હતું. આ ઉપરાંત તેમણે રાજ્યમાં મફતમાં 300 યુનિટ વીજળી આપવાની જાહેરાત કર્યા પછી બીજી મોટી ગેરંટી- રોજગારની ગેરન્ટી આપી હતી. તેમણે પાંચ વર્ષમાં બીજી 20 લાખ રોજગારી આપવાની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં પેપરો બહુ લીક થઈ જાય છે, જેનાથી તમામ બાળકો હેરાન પરેશાન છે. જેની સામે અમે કાયદો લઈને આવીશું. પેપરલીક પાછળના માફિયાઓને આકરી સજા કરીશું.
તેમણે કહ્યું હતું કે ભાજપ મોડલમાં ઝેરી દારૂ, ભ્રષ્ટાચાર મળશે, બાળકો આત્મહત્યા કરશે અને તમામ રેવડી સ્વિસ બેંકમાં જશે. જ્યારે AAP મોડલમાં મફત વીજળી, સારી શાળાઓ અને હોસ્પિટલો અને બધી રેવડી તમારી વચ્ચે વહેંચવામાં આવશે. તમારે નક્કી કરવાનું છે કે કયું મોડેલ પસંદ કરવું.