ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને થયેલી આવક અંગે સવાલ ઉઠ્યો હતો.
ઉપરાંત સામાન્ય વહીવટ, સુધારણા, તાલીમ, આયોજન, ગૃહ અને પોલીસ હાઉસિંગ, મહેસૂલ, શહેરી વિકાસ તેમજ શહેરી ગૃહ નિર્માણ વિભાગો સાથે જોડાયેલા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત, રમતગમત, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન અને જેલ વિભાગોના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. આ સાથે, અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહક સુરક્ષા તેમજ જળ સંપત્તિ, પાણી પુરવઠો અને કલ્પસર વિભાગની માંગણીઓ પર પણ વિચારણા કરવામાં આવી.
વિધાનસભામાં ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને થયેલી આવક અંગે સરકારે કહ્યું કે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપ્યા બાદ એક વર્ષમાં 94.19 લાખ રૂપિયાની આવક થઈ છે. આ સમયગાળા દરમિયાન ગિફ્ટ સિટીમાં 19,915 લિટર બિયર અને 3,324 લિટર દારૂનું વેચાણ નોંધાયું છે. સરકારે એમ પણ જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં ધ ગ્રાન્ટ મર્ક્યુરી હોટલ અને ગિફ્ટ સિટી ક્લબને દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી છે.
ગુજરાતમાં દારૂબંધીના કડક નિયમો હોવા છતાં, સરકારે ડિસેમ્બર 2023માં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં આ નિયમોમાં થોડી રાહત આપવાનો નિર્ણય લીધો હતો. આ હેઠળ, ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકૃત કર્મચારીઓ અને મુલાકાતીઓને “વાઈન એન્ડ ડાઈન” સુવિધા દ્વારા દારૂનું સેવન કરવાની છૂટ મળી છે. આ પગલું ગિફ્ટ સિટીને વૈશ્વિક વેપાર અને ટેક્નોલોજી હબ તરીકે વધુ આકર્ષક બનાવવા માટે લેવાયું હતું, જેથી વિદેશી રોકાણકારો અને કંપનીઓને આકર્ષી શકાય. હાલમાં ગિફ્ટ સિટીમાં દારૂનું વેચાણ નિયંત્રિત રીતે ચાલે છે અને તેનો ઉપયોગ ફક્ત ખાસ પરવાનગી ધરાવતા લોકો જ કરી શકે છે.
