ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા કાઢવા સરકારની મંજૂરી

અમદાવાદઃ ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા અષાઢી બીજે એટલે કે 12 જુલાઈએ શહેરમાં કાઢવા માટે રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી છે.  આ અંગે આજે ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું હતું કે સમગ્ર રૂટ પર કરફ્યુના અમલ સાથે રથયાત્રા યોજવામાં આવશે, પણ પ્રસાદ આપવામાં આવશે નહીં. તમામ ભક્તોએ ઓનલાઇન દર્શન કરવા પડશે. પૂર્વ-પશ્ચિમને જોડતા તમામ બ્રિજ રથયાત્રા સવારે નીકળી અને પરત નહીં આવે ત્યાં સુધી બંધ રહેશે.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિતભાઈ શાહ મંગળા આરતીમાં ભાગ લેશે. મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ રથયાત્રા પૂર્વે યોજાતી પહિંદ વિધિમાં ભાગ લેશે તેવી જાહેરાત પણ રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આ રથયાત્રાનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. કોઈ વ્યક્તિઓએ રથયાત્રાના માર્ગ ઉપર આવીને દર્શન કરવાની મંજૂરી નથી. ભગવાનના રથને ખેંચતા ખલાસીઓએ 48 કલાક પહેલા RT-PCR ટેસ્ટ નેગેટિવ અને રસીનો પહેલો ડોઝ લીધો હોવો જોઈએ. બે રથ વચ્ચે નિયત માત્રામાં અંતર જોઈશે. આ ઉપરાંત રથ ઉપર પરવાનગી આપી હોય એટલા જ લોકો ઉપસ્થિત રહી શકશે. ફેસ માસ્કસ સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતની કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવુ પડશે.

રથયાત્રા 19 કિલોમીટરના વિસ્તારમા નિકળે છે. નિજ મંદિરથી નિકળીને નગરચર્યા કરીને રથયાત્રા પરત ફરે તે માટે ચારથી પાંચ કલાકનો સમય નિર્ધારિત કર્યો છે. પણ સવારે 7થી બપોરના 2 વાગ્યા સુધી કરફ્યુ લાદવામાં આવ્યો છે . પરંતુ જો તે પહેલાં રથયાત્રા પરત ફરશે તો તરત જ કરફ્યુ મુક્તિ આપી દેવામા આવશે તેમ ગુજરાતના રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પ્રદીપસિંહે જણાવ્યું હતું.