કાશીના વિદ્વાનોની ઘોષણાઃ ભગવાન સ્વામિનારાયણનું તત્વજ્ઞાન અક્ષરપુરુષોત્તમ દર્શન તરીકે ઓળખવું સર્વથા ઉચિત

ગોંડલ (રાજકોટ) – ભારતમાં કેટલીય શતાબ્દીઓથી ષડ્દર્શનની પરંપરા પ્રસિદ્ધ છે. દર્શન એટલે કે તત્વજ્ઞાન, ફિલોસોફી. વિશ્વભરમાં ભારતની આ છ ફિલોસોફીઓનું એક આગવું મહત્વ રહ્યું છે. ભારતની બૌદ્ધિક સંપદામાં આ છ ફિલોસોફીઓનું એક અનોખું મહત્વ રહ્યું છે.

આ છ ફિલોસોફીઓના છત્ર તળે ભારતમાં અનેક સંશોધનો થયા છે. શ્રીમદ્દ આદિ શંકરાચાર્યથી લઈને સ્વામી વિવેકાનંદજી સુધી પ્રકાંડ વિદ્વાન બુદ્ધિમંતોએ આ છ દર્શનો પર શતાબ્દીઓ સુધી વિમર્શ કર્યા છે. નોંધનીય છે કે મુગલ અને બ્રિટિશ શાસન દરમ્યાન છેલ્લી કેટલીય શતાબ્દીઓથી આ છ ફિલોસોફીની પરંપરામાં વિકાસ અટકી ગયો હતો. પરંતુ બસ્સો વર્ષ પૂર્વે ભગવાન શ્રી સ્વામિનારાયણે એક નવી ફિલોસોફી આપીને ભારતીય તત્વજ્ઞાનની પરંપરામાં એક આગવું પ્રદાન આપ્યું છે. દસ હજાર વર્ષોથી વૈદિક પરંપરામાં ચર્ચાતા બ્રહ્મ અને પરબ્રહ્મના એ તત્વજ્ઞાનને તેમણે ભક્તિ સાથે જોડીને એક નવીન માર્ગ ચીંધ્યો. આ તત્વજ્ઞાનને સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત શાસ્ત્રીજી મહારાજ સ્વામીશ્રી યજ્ઞપુરુષદાસજીએ ‘અક્ષરપુરુષોત્તમ સિદ્ધાંત’ કે તત્વજ્ઞાન નામ આપ્યું અને તેના મૂર્તિમંત સ્વરૂપો પણ પધરાવ્યા.

પરંતુ જ્યાં સુધી આ સિધ્ધાંતને ઉપનિષદો, બ્રહ્મસૂત્ર અને ભગવદ્ ગીતાના આધાર પર શાસ્ત્રીય રીતે સિદ્ધ કરવામાં ન આવે ત્યાં સુધી ભારતની મુખ્ય દાર્શનિક પરંપરામાં તેનો સ્વીકાર ન થઈ શકે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે ઉપરોક્ત ત્રણેય ગ્રંથો એટલે કે પ્રસ્થાનત્રયી પર બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય ભદ્રેશદાસ સ્વામી દ્વારા ભાષ્યો તથા વાદગ્રંથ લખાવીને ભગવાન સ્વામિનારાયણના એ તત્વજ્ઞાનને શાસ્ત્રીય રીતે સિદ્ધ કરી આપ્યું. તાજેતરમાં વિદ્વાનોની નગરી કાશીમાં વિખ્યાત કાશી વિદ્વત્ પરિષદે આ ગ્રંથોનું અનુશીલન કર્યું ત્યારે તેમને લાગ્યું કે ભગવાન સ્વામિનારાયણનું તત્વજ્ઞાન એક મૌલિક અને વૈદિક તત્વજ્ઞાન છે, જે શતાબ્દીઓથી ચાલતી છ દર્શનોની પરંપરામાં એક અનોખું વિલક્ષણ અને સ્વતંત્ર દાર્શનિક પ્રદાન છે. આથી, તેની ઘોષણા થવી જોઈએ.

(ડાબે) ડો. શિવજી ઉપાધ્યાય, (જમણે) રામનારાયણ દ્વિવેદી

અત્રે નોંધનીય છે કે શ્રીમદ્ આદિ શંકરાચાર્યજીથી લઈને ભારતના તમામ આચાર્યોએ પોતાના તત્વજ્ઞાનની શરૂઆત કાશીના વિદ્વાનો સમક્ષ પોતાનો મત પ્રસ્તુત કરીને કરી છે. કાશીના વિદ્વાનો તેનો સ્વીકાર કરે ત્યારબાદ તે સર્વથા માન્યતા પ્રાપ્ત કરે છે. આવી એક પરંપરા ભારતમાં શતાબ્દીઓથી ચાલી રહી છે. એ જ પરંપરાનું જતન કરતાં કાશીના મૂર્ધન્ય વિદ્વાનોની વિખ્યાત વિદ્વદ્ સંસ્થા ‘શ્રી કાશી વિદ્વત્ પરિષદે’ ભગવાન સ્વામિનારાયણના તત્વજ્ઞાનને એક મૌલિક અને સ્વતંત્ર વૈદિક તત્વજ્ઞાન તરીકે ‘અક્ષરપુરુષોત્તમ દર્શન’ એવા નામ સાથે સ્વીકારીને તેને સમર્થન આપ્યું છે.

ગઈકાલે ગોંડલ ખાતે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની ઉપસ્થિતિમાં ભવ્યતાથી ઊજવાયેલા ‘અક્ષરદેરી સાર્ધ શતાબ્દી મહોત્સવ’માં કાશીથી પધારેલા કાશી વિદ્વત્ પરિષદના મૂર્ધન્ય વિદ્વાનોએ તેની ઘોષણા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વૈદિક તત્વજ્ઞાનની પરંપરામાં છ દર્શન ઉપરાંત આ એક નવું તત્વજ્ઞાન કે દર્શન ઉમેરાય છે, તેને અમે કાશીના વિદ્વાનો સર્વ સંમતિથી સમર્થન આપીને આનંદ અને ગૌરવપૂર્વક તેની ઘોષણા કરીએ છીએ. જેવી રીતે આદિ શંકરાચાર્યજીનું તત્વજ્ઞાન અદ્વૈત વેદાંત તરીકે ઓળખાય છે, રામાનુજાચાર્યનું તત્વજ્ઞાન વિશિષ્ટાદ્વૈત વેદાંત તરીકે ઓળખાય છે, તેવી જ રીતે આ ભગવાન સ્વામિનારાયણનું આગવું સ્વતંત્ર અને વૈદિક તત્વજ્ઞાન અક્ષરપુરુષોત્તમ દર્શન તરીકે ઓળખવું સર્વથા ઉચિત છે.

આ સ્વર્ણિમ ઘોષણાપત્ર તેમણે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના વર્તમાન અધ્યક્ષ પૂજ્ય મહંત સ્વામી મહારાજને અર્પણ કરીને ગૌરવ અનુભવ્યું હતું. છેલ્લી કેટલીય શતાબ્દીઓથી ભારતીય તત્વજ્ઞાનની સ્થગિત થઈ ગયેલી પરંપરામાં આ નવી શોધ ઉમેરાતાં વિદ્વાનોએ અને વિરાટ ભક્તસમુદાયે હર્ષ પ્રગટ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે તાજેતરમાં અમેરિકા ખાતે યોજાયેલા સમારોહમાં વેદાંતના પશ્ચિમી વિદ્વાનોએ પણ આ અક્ષરપુરુષોત્તમ દર્શન-તત્વજ્ઞાનને એક મૌલિક વૈદિક તત્વજ્ઞાન તરીકે સમર્થન આપીને બિરદાવ્યું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]