જ્ઞાન સહાયક યોજના: જાણો, અમલ અને એના વિરોધના કારણો…

રાજય સરકારે 11 મહિનાના કરાર આધારિત શિક્ષકોની ભરતી માટે જ્ઞાન સહાયક યોજનાની શરૂઆત કરી છે. તો બીજીબાજુ ટેટ-ટાટ પાસ ઉમેદવારો અને કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી (AAP)દ્ધારા આ યોજના સંદર્ભે સરકારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જ્ઞાન સહાયક યોજના શું છે અને કેમ એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એ જાણીએ…

જ્ઞાન સહાયક યોજના શુ છે..?

રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 અને મિશન સ્કૂલ ઓફ એક્સલન્સના લક્ષ્ય મુજબ શિક્ષણના હેતુઓ અંતર્ગત પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ નિયમિત ભરતી પદ્ધતિથી ભરવામાં ન આવે ત્યાં સુધી વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યમાં વિક્ષેપ ઊભો ન થાય તે હેતુથી જ્ઞાન સહાયક શિક્ષકોની કરાર આધારિત નિમણૂક કરવાનો નિર્ણય કરાયો છે. જ્ઞાન સહાયક યોજના, મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટને ધ્યાનમાં રાખીને હંગામી ધોરણે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે.

 આ યોજના કેમ કરવામાં આવી અમલ

ધોરણ 10 ના બોર્ડના પરિણામમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના ગુણ ઘટયા પછી, કેટલીક શાળાઓના આચાર્યએ પરિણામનું એનાલિસિસ કર્યા બાદ પ્રવાસી શિક્ષકોની ભરતીને જવાબદાર ઠેરવી હતી આ ઉપરાંત પ્રવાસી શિક્ષકની ભરતી યોજના બાબતે પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા. રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે જ્ઞાન સહાયક યોજનાના અમલીકરણ કરવામાં આવી છે.

પ્રવાસી શિક્ષકોની જગ્યાએ જ્ઞાન સહાયક યોજના

રાજ્યમાં શિક્ષકોની વ્યાપક ઘટ છે જેના કારણે સરકાર દ્વારા પ્રવાસી શિક્ષકોની નિમણુંક કરવામાં આવતી હતી પણ ચાલુ વર્ષે એકપણ શાળામાં પ્રવાસી શિક્ષક મુકવામાં આવ્યા નથી. હવે સરકારે આ યોજના બંધ કરીને જ્ઞાન સહાયક યોજના અમલમાં મૂકી દીધી છે.પ્રવાસી શિક્ષક કરતા આ યોજના અંતર્ગત પગારમાં વધારો કરવામાં આવ્યો છે પણ આ ભરતી માત્ર 11 માસના કરાર આધારિત થવાની છે.  જેમાં ખાસ કરીને શાળાઓમાં ધોરણ દીઠ શિક્ષક ઉપલબ્ધ થઈ શકે તે હેતુથી કરાર આધારિત જ્ઞાન સહાયક શિક્ષકની નિમણૂક કરવાનો નિર્ણય લેવાયો છે. આ યોજના હેઠળ નિમણૂક મેળવેલ ઉમેદવારોને પ્રાથમિક વિભાગમાં 21,000 રૂપિયા, માધ્યમિક વિભાગમાં 24,000 અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં 26000 ઉચ્ચક માનદ વેતન આપવામાં આવશે.

 વિરોધ કેમ..?

સીધી ભરતી, બદલી કે ફાજલ ફાળવણીથી ઉમેદવાર ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી વચગાળાની વ્યવસ્થા હોવાથી અને કરાર આધારિત સેવાઓના કારણે જ્ઞાન સહાયક તરીકે આવનાર ઉમેદવારોને કોઈ અન્ય સેવા વિષયક હકક દાવો મળી શકશે નહીં અને જ્ઞાન સહાયકોની કામગીરીનો સમયગાળો માત્ર 11 માસનો રહેશે (વેકેશન સિવાય) 11 મહિનાનો સમય પૂરો થતાં કરાર આપોઆપ રદ ગણાશે. ત્યારે કરાર આધારિત ભરતી બાદ શું ? આ ભરતી જ્ઞાન સહાયક શિક્ષકોના ભવિષ્ય સામે મોટો પ્રશ્નાર્થ છે. પોતાના ભવિષ્યની સુરક્ષા અને સલામતીની અસમંજસતા રહેવાની સંપૂર્ણપણે શક્યતાઓ છે અને 11 માસની નોકરી પૂર્ણ થયા બાદ એમને ફરીથી કરાર આધારિત નોકરી મેળવવા માટેની દોડધામ કરવી પડશે આ કારણોસર રાજયમાં હાલ વિરોધના વમળો ઉમટયા છે.