ગિરનાર રોપવેઃ વિરોધ બાદ માત્ર નામપૂરતો ભાવઘટાડો કરાયો

જૂનાગઢઃ અત્રે ગિરનાર રોપવે, જે એશિયાનો સૌથી મોટો રોપવે છે, તેના ભાડાને લઈને વિવાદ ઊભો થયો છે. એને પગલે ગિરનાર રોપવેના ભાડામાં આંશિક રીતે ઘટાડો કરવામાં આવ્યો છે. અહેવાલ મુજબ ભાડું તો એટલું જ રહેશે, પણ ટિકિટ સાથે અલગથી લેવામાં આવતા GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. નવા ભાડાની જાહેરાત મુજબ ટિકિટનો ભાવ રૂ. 700 જ રહેશે, પણ જે 18 ટકા GST વસૂલવામાં આવતો હતો, એ હવે ટિકિટિના ભાવની અંદર ઉમેરવામાં આવ્યો છે.

ગિરનાર રોપવેનો પ્રવાસ સૌથી મોંઘો

એક પુખ્ત વ્યક્તિને રોપ-વેમાં બેસવા માટે રૂ. 700ની સાથે 18 ટકા અલગથી GST લેવાતો હતો, પણ હવે નવા ભાવ રૂ. 700 GST સાથે લેવામાં આવશે. બાળકોની ટિકિટમાં પણ GST ઉમેરી દેવામાં આવ્યો છે. ટિકિટના દરને લઈને વિરોધ થતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સાપુતારા, અંબાજી, પાવાગઢ કરતાં પણ ગિરનાર રોપવેનો પ્રવાસ સૌથી મોંઘો છે. રાજ્યમાં રોપવેના સાપુતારામાં રૂ. 62, અંબાજીમાં રૂ. 118, પાવાગઢમાં રૂ. 141 અને ગિરનારમાં રૂ. 826 ભાવ (હવે રૂ. 700) છે.

લોકો માટે નામપૂરતોનો ઘટાડો

જોકે ગિરનાર રોપવેમાં એક તરફની મુસાફરી માટે GST સાથે રૂ. 400 નક્કી કરવામાં આવ્યા છે. પરંતુ આ ભાવ અને લોકાર્પણથી આજે ત્રણ દિવસ સુધી લેવાયેલા ભાવમાં માત્ર રૂ. આઠનો જ લાભ ચોખ્ખો જોવા મળ્યો છે. પહેલાં પુખ્ય વયના લોકોના રૂ. 708 અને બાળકોના રૂ. 354 ટિકિટદીઠ લેવામાં આવતા હતા, હવે તેમાં માત્ર આઠ રૂપિયા અને ચાર રૂપિયાનો ઘટાડો જાહેર કરીને લોકોને માટે નામનો ઘટાડો કરવામાં આવ્યો છે.

ટિકિટના દર રૂ. 400 રાખવા જોઈએ : મેયર

જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલે આજે મુખ્ય પ્રધાનને લેખિતમાં રજૂઆત કરતાં જણાવ્યું છે કે રોપવેની ટિકિટના ભાવ ઊંચા હોવાના કારણે અનેક લોકો ભવનાથ સુધી જાય તો છે, પરંતુ ભાવ સાંભળીને પરત ફરે છે, ગુજરાતના અન્ય રોપ-વે ની સરખામણીમાં અથવા તેની લંબાઈના પ્રમાણમાં એવરેજ ટિકિટના દર ઘણો ઊંચો છે. સામાન્ય ગરીબ વર્ગને પરવડે તેમ નથી. તો ટિકિટના દર ઘટાડવા લોકોની લાગણીઅને માગણી છે, આ અંગે કંપની સાથે પરામર્શ કરી ટિકિટના દર વ્યક્તિદીઠ 400 રૂપિયા આસપાસ રહે તેવી માગ કરી છે.