સુરતઃ શહેરના મોટા ઉદ્યોગપતિ વસંત ગજેરાનું દેશના સૌથી મોટા પીએનબી બેંક કૌભાંડમાં સામેલ હોવાની હકી થોડા સમય પહેલાં જ સામે આવી હતી. પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોક્સીની સાથે સુરતના વસંત ગજેરાનું સીધું કનેક્શન હતું અને તેની સાથે મળીને અનેક કૌભાંડો કર્યા છે, ત્યારે હવે સચિન GIDCમાં આવેલા તેમના લક્ષ્મી ટેક્સટાઇલ પાર્કને સરકાર દ્વારા જમીનની ફાળવણી કર્યા બાદ નિયમોનું પાલન નહીં કરવાને કારણે GIDCએ કરોડો રૂપિયાની આવક ગુમાવવાની સ્થિતિ થઇ હતી. જેથી GIDCએ રાજ્યના ઉદ્યોગપતિ વસંત ગજેરા સંચાલિત લક્ષ્મી ડેવલપર્સને 600 કરોડથી વધુની રકમ ભરપાઈ કરવા માટે નોટિસ ફટકારી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સચિનમાં 17 ઓગસ્ટ, 2000એ સરકાર દ્વારા અભિષેક એસ્ટેટ પ્રા. લિ.ને રૂ. છ લાખ ચોરસ મીટર જગ્યા ફાળવવામાં આવી હતી. જોકે તેનો કબજો બીજી મે 2000એ જ અભિષેક એસ્ટેટના જવાબદારોને સોંપી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ 14 ઓગસ્ટ, 2008એ લક્ષ્મી ઇન્ફા ડેવલપર્સ લિ.ને જમીન સોંપવામાં આવી હતી.
આ જમીનમાં 21 ડિસેમ્બર, 2009ના રોજ વધારો કરીને 929987.62 ચોરસ મીટર જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ નિયમ પ્રમાણે મંજૂરીની પ્રક્રિયા પાર પાડવાની હોય છે, પરંતુ લક્ષ્મી ઇન્દા ડેવલપર્સ લિ.ના વસંત ગજેરા સહિતનાઓએ આવા નિયમોની મંજૂરી લીધા વિના જ સ્થળ પર પ્લોટ ફાળવણી કરવાની સાથે બાંધકામ પણ શરૂ કરાવી દીધું હતું.
આ માટે GIDC દ્વારા વખતોવખતના પત્રવ્યવહારથી તાકીદ કરવામાં આવી હતી, તેમ છતાં નિયમોનું ઉલ્લંઘન કરવાનું ચાલુ રાખ્યું હતું. તેના કારણે GIDCએ અલગ-અલગ નિયમો તોડવા બદલ તેમને રૂ. 600 કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે.