રાજકોટમાં ગણેશ વિસર્જન: સુરક્ષા અને સુવિધા સાથે થઈ બાપાની વિદાય

રાજકોટ: શહેરમાં ધામધૂમથી ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે. તમામ પ્રકારના ચૂસ્ત બંદોબસ્ત સાથે ગણપતિ બાપાને વિદાય આપવામાં આવી રહી છે. રાજકોટમાં કોઈપણ પ્રકારની દુર્ઘટના ન બને તે માટે પોલીસ અને મનપા સજ્જ છે. રાજકોટમાં પોલીસના 1500, ફાયરનાં 80 જવાનોની દેખરેખમાં લોકો દુંદાળા દેવને વિદાય આપી રહ્યા છે. દરમિયાન કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા 108ની ટીમો પણ સતત ખડેપગે જોવા મળી રહી છે.

રાજકોટમાં તંત્ર દ્વારા જુદા-જુદા 8 સ્થળોએ ગણપતિ વિસર્જન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ દરમિયાન માત્ર ફાયરના જવાનો દ્વારા બાપાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. દુર્ઘટના ન બને તે માટે લોકોને પાણી સુધી જવા દેવામાં આવતા નથી. તેમજ મોટી મૂર્તિ માટે ખાસ ક્રેન સહિતની વ્યવસ્થા રાખવામાં આવી છે. કોઈપણ કાંકરીચાળો ન થાય તે માટે પોલીસના 1500 જવાનો તહેનાત રાખવામાં આવ્યા છે. તેમજ ડ્રોન અને પેટ્રોલિંગ દ્વારા ઉચ્ચ અધિકારીઓ સતત નજર રાખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ વર્ષે રાજકોટના 8 કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યા છે. જેમાં પહેલો આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. 1, આજી ડેમ ઓવરફ્લો પાસે ખાણ નં. 2, આજી ડેમ ઓવરફ્લો ચેક ડેમ, પાળ ગામ, જખરાપીરની દરગાહ પાસે, મવડી ગામથી આગળ, ન્યારાના પાટિયા પાસે ન્યારા રોડ, ખાણમાં, જામનગર રોડ, રંગપર ડેમ પાસે આવેલ કોઝ વે, જામનગર રોડ, બાલાજી વેફર્સની સામે વાગુદળ પાટિયા પછીના પુલ નીચે કાલાવડ રોડ, એચ.પી.ના પેટ્રોલ પમ્પ સામે, રવિવારી બજાર ગ્રાઉન્ડ આજી ડેમ પાસે, ભાવનગર રોડ. આ તમામ સ્થળોએ ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ શાખાએ ખાસ વ્યવસ્થા ઉભી કરી છે. જેમાં સલામતિની દ્રષ્ટીએ આઠેય સ્થળોએ ક્રેન, રેસ્ક્યુ બોટ, એમ્બ્યુલન્સ અને લાઇફ બોટ, લાઇફ જેકેટ સાથે સ્ટેશન ઓફિસર, લીડીંગ ફાયરમેન, ફાયરમેન સહિત વ્યક્તિઓનો સ્ટાફ તહેનાત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તમામ વ્યવસ્થામાં સહકાર આપવા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે. તેમજ મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા સ્થળો સિવાયના અન્ય કોઈ સ્થળે ગણેશ વિસર્જન નહીં કરવા મહાપાલિકાએ તમામ નાગરિકોને અપીલ કરી છે.