સંસ્કૃત બચશે તો જ સંસ્કૃતિ ટકી શકશે: મુખ્યપ્રધાન વિજય રૂપાણી

ગાંધીનગર: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધીનગર નજીક કોલવડામાં યોજાઇ રહેલા સંસ્કૃત ભારતી ગુજરાતના પ્રાંતીય અધિવેશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અધિવેશન બે દિવસ માટે યોજાઇ રહ્યું છે અને સંસ્કૃત ભાષાના વ્યાપક પ્રચાર-પ્રસારનું સમૂહ મંથન અહીં થવાનું છે.

વિજય રૂપાણીએ કહ્યું કે, સંસ્કૃત એવી ભાષા છે જેના બધા જ શબ્દોની ઉત્પતિ અને લક્ષ્ય માનવતાના કલ્યાણ માટેના છે. સમાજ જીવનને સુસંસ્કૃત અને સંસ્કારિત કરવામાં સંસ્કૃત ભાષાનું મોટું પ્રદાન છે.  સંસ્કૃત બચશે તો જ સંસ્કૃતિ ટકી શકશે એ વાત મધ્યનજર રાખીને આપણે સૌએ રાષ્ટ્રની ધરોહર-માનબિંદુ સમાન સંસ્કૃત ભાષાના જતન-વ્યાપ અને સંવર્ધન માટે પ્રતિબધ્ધ બનવું જ પડશે.

વિજય રૂપાણીએ ઉમેર્યુ કે, ગુજરાતમાં સંસ્કૃતનો વ્યાપ વધે એ માટેનું ઇન્ફ્રાસ્ટ્રકચર કાર્યકર્તાઓના માધ્યમથી ઊભું કરવાની નેમ છે. સંસ્કૃત પ્રેમીઓ અને વિશેષજ્ઞો પણ ડીવોશન ભાવથી તેમાં જોડાય તે અપેક્ષિત છે. તેમણે રાજ્યમાં સંસ્કૃત ભાષાના વધુ વ્યાપકપણે પ્રસાર માટે સંસ્કૃત બોર્ડ રચવાની દિશામાં રાજ્ય સરકાર આગળ વધશે તેવો વિશ્વાસ આપતાં કહ્યું કે સંસ્કૃતના વ્યાપને વધુ બળવત્તર બનાવવા સંસ્કૃત પંડિતો, વિશેષજ્ઞો અને સંસ્કૃત ભારતી સાથે પરામર્શમાં રહીને રાજ્ય સરકાર શકય મદદ માટે યોગ્ય વ્યવસ્થાઓ કરશે.

પરમ પૂજ્ય દંડી સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે સંસ્કૃતને વેદો-ઉપિનષદોની ભાષા ગણાવતાં તેના ધાર્મિક-આધ્યાત્મિક મહત્વને ઊજાગર કરતાં આશીર્વચનમાં જણાવ્યું કે, જ્ઞાન-વિજ્ઞાનની આ સદીમાં પ્રાકૃત ભાષાનું પણ સંવર્ધન થાય તે સમયની માંગ છે તેમણે આ અધિવેશનની સફળતાની શુભેચ્છાઓ પાઠવી હતી.

મુખ્યપ્રધાને સંસ્કૃત ભાષા-સાહિત્યમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા વ્યકિત વિશેષોને એવોર્ડ અને પ્રમાણપત્રો અર્પણ કર્યા હતાં. સંસ્કૃત ભાષા આંગળીના ટેરવે સૌ કોઇ ઘેર બેઠાં સરળતાથી શીખી શકે તે માટેનું વીડીયો લોન્ચીંગ પણ આ અવસરે કરવામાં આવ્યું હતું. રાજ્યના વિવિધ સંસ્કૃત વિદ્યાલયોના પ્રતિનિધિઓ, સંસ્કૃત ભાષા પ્રેમીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યાં હતાં.